વૈશ્ર્વિક ઉછાળા વચ્ચે બંનેમાં નવા ઉંચા ભાવ : રાજકોટમાં હાજર સોનામાં 4200 તથા ચાંદીમાં 17પ00નો ઉછાળો
સોના-ચાંદીમાં વિશ્ર્વસ્તરે સર્જાયેલું તેજીનું તાંડવ સતત ચાલુ જ રહ્યું છે અને રોજેરોજ ભાવ નવી નવી સર્વોચ્ચ સપાટીને આંબી રહ્યા છે. આજે પણ બંને ધાતુમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. પરંતુ ચાંદીમાં 17500 તથા સોનામાં 4200 રૂપિયા વધી ગયા હતા. સોનાનો ભાવ દોઢ લાખને પાર થઇ ગયો હતો.
રાજકોટમાં આજે હાજર સોનુ દોઢ લાખનું લેવલ ક્રોસ કરીને 1,પ3,000 થયું હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ 4000 રૂપિયા વધીને 1,49,675 થયો હતો. વિશ્ર્વબજારમાં 4750 ડોલરના માર્ગે ધસમસતુ હોય તેમ 4730 ડોલર થઇને 4729 ડોલર સાંપડયું હતું.
રાજકોટમાં હાજર ચાંદી 3,21,000 થઇ હતી. કોમોડીટી એકસચેંજમાં ભાવ 3,27,998 થઇને 3,24,514 સાંપડયો હતો. વિશ્ર્વબજારમાં ભાવ 95.33 ડોલર થઇને 9પ.ર3 ડોલર સાંપડયો હતો.
સોના-ચાંદીની એકધારી તેજીથી માર્કેટમાં સોંપો પડી ગયો છે અને કારોબારમાં મોટો ઘટાડો છે. રાજકોટના જ એક જવેલરીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન મુખ્યત્વે ચાંદીમાં જ અસામાન્ય તેજી થઇ હતી અને અનેક વેપારીઓ તેજીમાં ફસાઇ જતા કારોબાર લગભગ ઠપ્પ જેવો થઇ ગયો હતો. હવે સોનામાં તેજીની ચાબુક લાગી હોય તેમ દોઢ લાખની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવાઇ ગઇ છે અને વધુ જોરથી ઉછાળો આવે તેવા એંધાણ વર્તાવા લાગ્યા છે. આ સંજોગોમાં આવતા દિવસોમાં સોનાના કારોબારને પણ અસર થવાનું માનવામાં આવી રહ્યું છે.
