વૈશ્ર્વિક ઘટનાક્રમોના ગભરાટ હેઠળ વેચવાલીનો પ્રચંડ મારો:મીડકેપ ઇન્ડેકસ 1700 પોઇન્ટ ગગડયો : તમામે તમામ સેકટરના શેરો ગગડયા
વિશ્ર્વસ્તરે ભૌગોલિક ટેન્શન, ટેરીફ વોર અને યુધ્ધના ભણકારાને પગલે શેરબજારમાં પણ કોહરામ સર્જાયો હોય તેમ આજે સેન્સેકસમાં 1000 પોઇન્ટનો જોરદાર કડાકો સર્જાયો હતો. રોકડાના શેરો ભાંગીને ભુકકો થઇ ગયા હોય તેમ મીડકેપ ઇન્ડેક્ષમાં 1600 પોઇન્ટથી પણ વધુનો કડાકો હતો. ઇન્વેસ્ટરોના 10 લાખ કરોડનું ધોવાણ થયું હતું.
શેરબજારમાં આજે શરૂઆત સ્થિર ટોને થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરેથી નવા નવા નેગેટીવ અને ગભરાટ સર્જતા રીપોર્ટ આવવા લાગતા ગભરાટનો માહોલ ઉભો થયો હતો. આક્રમણકારી વેચવાલીના દબાણ હેઠળ માર્કેટ સડસડાટ કરતા નીચે સરકવા લાગ્યું હતું. અમેરિકાએ ગ્રીનલેન્ડ કબ્જે કરવાનું જાહેર કરી જ દીધુ છે અને તે માટે યુધ્ધ વિમાનો રવાના કર્યા હોવાના અહેવાલ જાહેર થતા ગભરાટ ઉભો થયો હતો. આ ઉપરાંત ગાઝા માટે રચાયેલા પીસ બોર્ડમાં સામેલ કરાયેલા દેશો તેમાં જોડવાનો ઇન્કાર કરશે તો ર00 ટકા ટેરીફ નાખવાની ધમકી ઉચ્ચારતા ગભરાટ વકર્યો હતો. આ જ રીતે ઇઝરાયલે હવે ઇરાનને ચેતવણી આપતા તેનાથી પણ માનસ વધુ ખરડાયું હતું. અમેરિકા દ્વારા ઇરાન પર ત્રાટકવાની તૈયારી કરવામાં આવી જ છે. તેવા સમયે ઇઝરાયલ પણ તેમાં જોડાતા આવતા દિવસોમાં યુધ્ધ નકકી ગણવામાં આવતું હતું. વૈશ્ર્વિક ઘટનાક્રમો વચ્ચે ઘરઆંગણે કોઇ પોઝીટીવ કારણો ન હોવાથી માનસ વધુને વધુ ખરડાતું રહ્યું હતું. ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ધારણા કરતા પણ સારો રહેવાના આંતરરાષ્ટ્રીય નાણાનીધિના રીપોર્ટ છતાં તે કારણને ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યું હતું. વિદેશી નાણા સંસ્થાઓની રોજેરોજ કરોડો રૂપિયાની વેચવાલીનું દબાણ વર્તાયુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિશ્ર્વસ્તરે પરિસ્થિતિ સ્થિર નહીં બને ત્યાં સુધી માર્કેટમાં ગભરાટ ઓછો થવાની કે સ્થિરતા આવવાની સંભાવના ઓછી છે. અમેરિકાના વલણ પર જ માર્કેટનો ટ્રેન્ડ નકકી થયા તેવી શકયતા છે.
શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ગાબડા પડયા હતા. હિન્દુસ્તાન ઝીંક, દાલમીયા ભારત, એચડીએફસી બેંક જેવા અમુક શેરોમાં સુધારાને બાદ કરતા એલઆઇસી, ઓબેરોય રીયાલીટી, હવેલ્સ, આઇસીઆઇસીઆઇ બેંક, વોડાફોન, યસ બેંક, સુઝલોન, સ્ટેટ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આદિત્ય બિરલા, લોઢા ડેવલપર્સ, પતંજલી સહિતના શેરોમાં ગાબડા પડયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 1190 પોઇન્ટના પ્રચંડ કડાકાથી 8ર0પપ સાંપડયો હતો જે ઉંચામાં 83રપ4 તથા નીચામાં 8ર036 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 40ર પોઇન્ટ ગગડીને રપ18ર સાંપડયો હતો જે ઉંચામાં રપપ8પ તથા નીચામાં રપ179 હતો. રોકડાના શેરો ભાંગીને ભુકકો થયા હોય તેમ મીડકેપ ઇન્ડેક્ષ 1693 પોઇન્ટના કડાકાથી પ79પ4 સાંપડયો હતો. બીએસઇમાં આજે કુલ 439પ શેરોમાં ટ્રેડીંગ થયું હતું તેમાંથી માત્ર 74રમાં સુધારો હતો. જયારે 3પ3ર શેરોમાં ગાબડા પડયા હતા. 6પ શેરો વર્ષની ઉંચાઇએ પહોંચ્યા હતા. જયારે 697 શેરો વર્ષના તળીયે ધસી ગયા હતા. 1ર1 શેરોમાં સીધી સર્કિટ લાગી હતી. જયારે ર8પમાં ઉંધી સર્કિટ હતી. બીએસઇનું માર્કેટકેપ 9 લાખ કરોડના ઘટાડાથી 4પ4.97 લાખ થયું હતું.
રૂપિયો ફરી તુટયો : 91ની નીચે સરકયો
સોના-ચાંદીમાં જોરદાર તેજી વચ્ચે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાને પણ ઝટકો લાગ્યો હતો અને ફરી વખત 91ની સપાટીની નીચે સરકી ગયો હતો. જોકે ત્યારબાદ આંશિક રીકવર થયો હતો. વિશ્ર્વસ્તરે વધતા ભૌગોલિક ટેન્શન, ટેરીફ વોર અને યુધ્ધના ભણકારા જેવા કારણોથી આંતરરાષ્ટ્રીય સ્તરે નાણા બજારોમાં ઉથલપાથલ ચાલી રહી છે. તેેને પગલે કરન્સી માર્કેટમાં પણ જોરદાર અફડાતફડી છે. આજે ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 91ની નીચે ઉતરીને 91.04 થયો હતો. જે પછી થોડો રીકવર થઇને પાંચ પૈસાના ઘટાડાથી 90.97 સાંપડયો હતો.
