વારસાઈ સંયુક્ત મિલકત ઉપર ભાઈ સામે સગા ભાઈએ કરેલો દાવો ફગાવતી અદાલત

મકાનમાં અડચણ અટકાયત અંતરાય રૂકાવટ કરે નહીં તેવો કાયમી મનાઇ હુકમનો દાવો કર્યો’તો

રાજકોટમાં રજપુતપરામાં આવેલ વારસાની સંયુક્ત મિલકત ઉપર સગાભાઈઓએ અન્ય ભાઈઓ સામે પોતાના કબજાવાળા મકાનમાં અડચણ અટકાયત અંતરાય રૂકાવટ કરે નહીં તેવો કાયમી મનાઇ હુકમનો કરેલો દાવો એડિશનલ સિવિલ જજ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ દાવાની હકીકત મુજબ, રાજકોટના રહીશ સુભાષભાઈ ગોરધનભાઈ સોમૈયા તથા ગુજરનાર અશ્વિનભાઈના વારસદાર મોહીતભાઈ અશ્વિનભાઈ સોમૈયા અને તુષારભાઈ અશ્વીનભાઈ સોમૈયા દ્વારા રાજકોટના સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં પોતાના સગાભાઈ (1) ભરતભાઈ ગોરધનભાઈ સોમૈયા (2) હરીશભાઈ ગોરધનભાઈ સોમૈયા તથા (3) વિજયભાઈ ગોરધનભાઈ સોમૈયાની સામે રેગ્યુલર દિવાની દાવો દાખલ કરીને જણાવેલ કે રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક રજપુતપરા શે.નં. 1 ખાતે આવેલ જમીન આશરે ચો.મી. 283-6 ઉપર આવેલ “શિવાલય” નામનું મકાન વાદી સુભાષભાઈ તથા પ્રતિવાદીઓના પિતાશ્રી ગોરધનભાઈ શામજીભાઈ સોમૈયાના નામનું મકાન આવેલ છે, તે મકાન ગોરધનભાઈના અવસાન બાદ તેમના પાંચેય પુત્ર દ્વારા તે મકાનનું વારસાઈ સર્ટિફિકેટ સિવિલ કોર્ટેમાંથી પાંચેય ભાઈના સરખે હિસ્સે મેળવેલ છે. વિશેષમાં વાદી સુભાષભાઈ ગોરધનભાઈએ જણાવ્યું હતું કે આ મકાન બે ભાગમાં સરળતા ખાતર જુનો વિભાગ અને નવો વિભાગ તેમ દર્શાવવામા આવેલ છે. અને તેમાં એક રૂમ, સ્ટોર રૂમ, કીચન, ઓસરી સુભાષભાઈના કબજામાં છે અને બીજો બેડરૂમ વાદી તુષારભાઈ અને મોહીતના કબજામાં છે. સદરહુ શિવાલય મકાનમાં અમુક ભાગનો ભોગવટો પ્રતિવાદી ભરતભાઈ સોમૈયા તેમજ હરીશભાઈ સોમૈયાનો આવેલ છે અને આ મિલકત ઉપર પ્રતિવાદીઓ જાતે તથા તેના એજન્ટ મુખત્યાર કોઈપણ વ્યકતિ મારફત પ્રતિવાદીઓ અંતરાય અવરોધ રૂકાવટ કરે કે કરાવે નહીં તેવો કાયમી મનાઈ હુકમની માંગણી કરતો સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. આ દાવાના કામે ત્રણેય પ્રતિવાદીઓ ભરતભાઈ, હરીશભાઈ, વિજયભાઈએ તેના એડવોકેટ મારફત હાજર થઈ જવાબ ફાઈલ કરી કોર્ટને જણાવેલ કે સદરહુ મિલકત ગુજરનાર ગોરધનભાઈ સામજીભાઈ સોમૈયાની આવેલ છે. અને આ મિલકતનું વારસા સર્ટિ. સિવિલ કોર્ટમાંથી પાંચેય ભાઈઓએ (વાદી તથા પ્રતીવાદી)એ સાથે મળીને લીધેલ છે. અને અમો પ્રતિવાદીનો પણ કબજો આવેલ છે, જેથી મિલકત વાદીની એકલાની સ્વતંત્રતાની ન હોય જો દાવો મંજુર કરવામાં આવે તો પ્રતિવાદીઓને કાયદાકીય નુકશાન જાય તેમ હોય તેવી પ્રતિવાદીની ના એડવોકેટ સંજય એચ. પંડયા તેમજ કે.જી. પોપટની દલીલ ધ્યાને લઈને વાદીનો દાવો રદ કરતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં પ્રતિવાદીઓ વતી સંજયભાઈ એચ.પંડયા, મનિષભાઈ એચ.પંડયા, કે.જી.પોપટ, જયદેવસિંહ બી. ચૌહાણ, વનરાજસિંહ કે. જાડેજા, દક્ષાબા એમ. જાડેજા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ