અધિકારી પર હુમલો ટીપી સહિતના પ્રશ્ર્ને દરવખતની જેમ હલ્લા બોલમાં જ પૂરૂ થવાના એંધાણ
મનપાની વર્તમાન પાંચ વર્ષની ટર્મનું સંભવિત અંતિમ જનરલ બોર્ડ આવતીકાલ મંગળવારે સવારે 11 વાગ્યે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં પ્રશ્ર્નોત્તરીમાં ભાજપના સભ્યોએ સરકારી આંકડા જેવા જ સવાલો પૂછયા છે તો દરખાસ્તોમાં મોટા ભાગે નામકરણનો સમાવેશ થાય છે. આથી સામાન્ય સભામાં કોંગ્રેસ વિપક્ષની કેવી ભૂમિકા ભજવશે તે જોવાનું રહ્યું. આગામી તા.11 માર્ચના રોજ વર્તમાન પદાધિકારીઓ સહિતની બોડીની ટર્મ પૂરી થવાની છે. આથી દ્વિમાસિક બોર્ડ છેલ્લુ હશે છતાં ખાસ બજેટ બોર્ડ ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં મળશે. આ સિવાય અનિવાર્ય નિર્ણયો માટે મેયર વધુ એક બોર્ડ પણ સત્તાની રૂએ બોલાવી શકે છે. તા. ર0ની આ સામાન્ય સભામાં કુલ 14 કોર્પોરેટરે 31 પ્રશ્ર્ન મૂકયા છે. જેમાં કોંગ્રેસના ત્રણ સભ્યોના 9 અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્ર્નો છે. એજન્ડાની પ્રશ્ર્નોતરીમાં પહેલો પ્રશ્ર્ન વોર્ડ નં.9ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો છે જેઓએ બે વર્ષમાં અમૃત યોજના હેઠળ કેટલી ગ્રાન્ટ મળી અને કેટલા કામો થયા તેવું પુછયું છે. બે વર્ષમાં સ્વર્ણિમ યોજના અંગે આવી જ માહિતી માંગી છે. બીજા ક્રમે રૂચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઇટની સંખ્યા, ફરિયાદો, ડામર રી-કાર્પેટની વોર્ડવાઇઝ વિગતો પૂછી છે. તો ત્રીજા ક્રમે કંકુબેન ઉધરેજાએ ટીપીના પ્લોટ, આંગણવાડીઓ, ચોથા ક્રમે વિનુભાઇ સોરઠીયાએ આરોગ્ય ગ્રાન્ટ અને ફાયર વિભાગના સાધનોની વિગતો પૂછી છે. પાંચમા ક્રમે દક્ષાબેન વાઘેલાએ વોર્ડ વાઇઝ કોર્પો.ની મિલ્કતો, લાયબ્રેરી અને તેના સભ્યો અને પુસ્તકોની વિગત પૂછી છે. બોર્ડમાં છઠ્ઠા ક્રમે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ ત્રણ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. ટીપી શાખામાં તા.11-11-2025 સુધીમાં કુલ જુદા જુદા વોર્ડમાંથી 49 બિલ્ડીંગની સ્થળ ચકાસણી પૂરી કરી હતી તે પૈકી આઠ બાંધકામોને ભોગવટા પરવાનગી આપવાની અનુમતિ આપેલ છે તો તેમાંથી કેટલા બાંધકામોના પૈસા ભરાયા અને જો નથી ભર્યા તો તેની સામે શું શું પગલાં લીધા? ફલાવર બેડની નવી અરજીનું સ્ટેટસ, સરકારની છુટછાટથી ફાયદો પૂછયા છે. સાંસ્કૃતિક વિકાસ વિભાગના પાંચ વર્ષના ખર્ચ સ્વર્ણિમ ગ્રાન્ટની વિગતો પણ પૂછી છે. થોડા દિવસો પહેલા ઇસ્ટ ઝોનમાં આસી. ઇજનેર પર કોન્ટ્રાકટરે કરેલા હુમલાના ઘેરા પડઘા પડયા બાદ એજન્સી સામે પગલા લેવાની વાત ઠંડી પાડી દેવામાં આવી છે. આથી અધિકારીઓની સુરક્ષાનો મામલો ઉઠાવીને કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આ પ્રકરણમાં શું કાર્યવાહી થઇ તેની લેખિત માહિતી માંગી છે. કાલનું બોર્ડ નવી ચૂંટણી પહેલાનું સંભવિત અંતિમ બોર્ડ છે. આથી ભાજપ-કોંગ્રેસ મોકો મળે તો એકબીજા પર તુટી પડવા પણ તૈયાર રહેશે તેવું માનવામાં આવે છે. કાલના બોર્ડના એજન્ડા પર નામકરણની આઠ દરખાસ્ત છે. મવડીના સ્પોર્ટસ કોમ્પલેક્ષને અટલ બિહારી વાજપેયી, સાધુ વાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક પાસેના ગાર્ડનને શહીદ હેમુ કાલાણી ગાર્ડન, વોર્ડ નં.10, શિવશકિત કોલોની સામેના ગાર્ડનને વીર શહીદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન, વોર્ડ નં.10 એસ.એન.કે. ચોકમાં જે.કે. ચોકથી નીલ કલબ તરફના જુના યુનિ. રોડને શ્રી ઉમિયાજી માર્ગ, વોર્ડ નં.પ રણછોડનગર-10ને સ્વાતંત્ર્ય સેનાની શ્રી મનુભાઇ વિઠલાણી, વોર્ડ નં.4માં લાલપરી મેલડી માતાજી પાસેના ચોકને સરદાર પટેલ ચોક, વોર્ડ નં.16 હુડકો ફાયર સ્ટેશનવાળા ચોકને જયંતભાઇ ઠાકર ચોક નામ, વોર્ડ નં.13 ગોંડલ રોડ, લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય સામેના ખોડીયારનગર શાકમાર્કેટ સુધીના માર્ગને આઇશ્રી સોનલમા માર્ગ નામકરણ કરવા દરખાસ્ત છે. રેલ્વે જંકશન મેઇન રોડના ડિમોલીશનગ્રસ્તોને વૈકલ્પિક જમીન, મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની દુકાનોની હરાજી, ર00 કરોડની લોન લેવા કમિશ્ર્નરને અધિકૃત કરવા, સફાઇ કામદારોને મેડીકલ સર્ટી. કોર્પો.ના આરોગ્ય અધિકારી પાસેથી મળી શકે તેવી સ્ટે.કમીટીએ મંજૂર કરેલી દરખાસ્ત એજન્ડા પર છે. દક્ષાબેન વસાણી, રૂચિતાબેન જોષી, કંકુબેન ઉધરેજા, વિનુભાઇ સોરઠીયા, દક્ષાબેન વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, ડો. રાજેશ્રી ડોડીયા, વર્ષાબેન પાંધી, ડો. દર્શનાબેન પંડયા, વિનુભાઇ ધવા, મિતલબેન લાઠીયા, કોમલબેન ભારાઇ, ડો. પ્રદીપ ડવ, મકબુલભાઇ દાઉદાણી મળી કુલ 14 કોર્પોરેટરોએ પ્રશ્ર્ન પૂછયા છે.
