જંકશન બચાવ સમિતિનું એલાન: વખતો વખતની રજુઆત સામે આંખ આડા કાન કરતા સ્થાનિકો લડી લેવાના મૂડમાં
એક વખત ચોવીસ કલાક ધમધમતા જેતલસર જંકશન રેલવેને ભાંગવાં રેલવેસુત્રોએ શરુ કરેલી હિલચાલથી રેલવે કર્મચારીઓમાં અને જાગૃત લોકોમાં ઉગ્ર ઉહાપોહ થયો છે. અત્યાર સુધીમાં અહીથી અન્યત્ર ખસેડાયેલી કે બંધ કરેલી સુવિધાઓ, સેવાઓ ફરી 24 જાન્યુઆરી સુધીમાં કાર્યરત ન કરવામાં આવે તો જેતલસર જંકશન બચાવ સમિતિના આગેવાનોએ 25મી જાન્યુઆરીથી રેલરોકો જેવા સ્ફોટક આંદોલનની ચેતવણી આપી છે. હજારો રેલવે કર્મચારીઓથી ધમધમતા જેતલસર જંકશનમાંથી સમયાંતરે રેલબાબુઓ એકપછી એક સેવાઓ ઝૂંટવી રહ્યા છે. આવી સેવાઓ ચાલુ રાખવા બાબતે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પણ કહેવાય છે કે રેલબાબુઓ જાગૃત લોકોની રજૂઆત પરત્વે મૂક, બધિર અને સુરદાસની ભૂમિકા દાખવી રહ્યા છે. અત્યાર સુધી જેતલસર જંકશન સાથે થતાં આવતા અન્યાય સામે એકલ દોકલ આગેવાનો ભાવનગર રેલવે સૂત્રોને રજૂઆત કરી યોગ્ય કરવાની માંગણી કરતાં આવે છે. પણ તંત્ર ઝાડી ચામડીનું સાબિત થતું હોવાના આક્ષેપો થયા છે. હવે સમયની સાથે જાગૃતિ પણ વધી હોવાથી પ્રવર્તમાન દિવસોમાં જેતલસર જંકશનને ખંઢેર થતું કે ભાંગતું બચાવવા બચાવ સમિતિની રચના કરવામાં આવી છે. અને આ સમિતિના આગેવાનોએ હવે જતું કરવાની ભાવનાને ઠેબે ચડાવીને લડાયક મિજાજ બતાવી રેલવે તંત્ર સામે મેદાને પડ્યા હોવાનું કહેવાય છે.
અનેક પડતર માંગણીઓ લઈને વધુ એક વખત જેતપુરના મામલતદાર અને જેતલસર જંકશન તેમજ ભાવનગર રેલવેના સંબંધિત અધિકારીઓને બે દિવસથી આવેદનો આપવામાં આવે છે પણ સંબંધીતોનું માંગણીઓ પરત્વે હકારાત્મક વલણ ન દેખાતું હોવાના આગેવાનોના આક્ષેપો છે. જંકશન બચાવો સમિતિના આગેવાનોનું કહેવું છે કે જેતલસર જંકશનનો વિકાસ રૂંધવા સતત થઈ રહેલા પ્રયાસોને હવે કોઈ કાળે સફળ થવા નહીં દેવાય, જરૂર પાડીએ રેલવેના પાટા પર ઉતારીને, રેલ વ્યવહાર થંભાવી દેવાની તૈયારી આરંભી દેવાઈ છે. અનેકવિધ પડતર માંગણીઓ સામે વ્યવહારુ અને યોગ્ય નિર્ણય લેવામાં રેલવે થાપ ખાશે તો 25મી જાન્યુઆરીથી રેલરોકો, ઉપવાસ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કરીને રેલવેબાબુઓની આંખ ઉઘાડવા મેદાને પડવાની ચીમકી અપાઈ છે.
જેતલસર જંકશન બચાવ સમિતિની કઈ કઈ પડતર માંગણીઓ ?
બચાવ સમિતિના આગેવાનોએ રેલવેના ડીઆરએમ, રેલવે મંત્રી, જેતપુરના ધારાસભ્ય અને મામલતદાર, રાજકોટ જિલ્લા કલેકટર સહિત લાગતાં વળગતાઓને લેખિત રજૂઆત કરી તેઓની માંગણીઓ બાબતે 24 મી જાન્યુઆરી સુધીમાં ઘટતું કરવાની માંગણી કરી છે.બ્રેકડાઉન હાલ પોરબંદરમાં ખસેડાયું તે ફરી જેતલસર જંકશનમાં શરુ કરવું, કેરેજ ડીપાર્ટમેન્ટ કે જે અડધું પોરબંદર અને અડધું વેરાવળમાં છે, જે જેતલસર જંકશનમાં સ્પેશિયલ મેડીકલ ટ્રેક અને અન્ય સુવિધાઓ હોવાથી પરત આપવું, વર્ષો પહેલા જેતલસર જંકશનને મોડેલ રેલ્વે સ્ટેશન તરીકે મંજુરી આપવામાં આવી હતી મુજબ રેલવે સ્ટેશનનો ફરી વિકાસ શરુ કરવો, . કેટરિંગ અને બેડિંગ વિગેરે સામગ્રી જૂનાગઢને બદલે જેતલસર જંકશનથી સપ્લાય કરવી, જેતલસર રેલ્વે સ્ટેશનથી જેતપુર માર્કેટયાર્ડ અને જેતપુર-ધોરાજી રોડ રેલ્વેટ્રેક પેરેલલ પાકા રસ્તા બનાવવા તેમજ અવારનવાર થયેલી રજૂઆતો મુજબ જેતલસર જંકશનમાં ચાલતા તમામ ડીપાર્ટમેન્ટો ફરી પાછા જેતલસર જંકશનમાં ચાલુ કરવા તેમજ રેલ્વે તંત્રની 10 લાખ ચોરસ મીટર જમીન હોવાથી અહી નવા વિભાગો ચાલુ કરવા સહિતની પડતર માંગણીઓ હલ કરવા રજૂઆતો જંકશન બચાવ સમિતિના ભુપતભાઈ ચૌહાણ, હનીફભાઇ બ્લોચ, પ્રિતાંગભાઈ કોઇચા, સંજયભાઈ ઠુંમર, રમેશભાઈ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી છે.
