અઢી વર્ષ પહેલાના કેસમાં પ્રોસિક્યુશન પુરતા પુરાવા રજૂ નહિ કરી શકતા અદાલતે શંકાનો લાભ આપ્યો
રાજકોટમાં ન્યારી ડેમના રસ્તે હોટેલ રિજન્સી લગૂન વિસ્તારમાં બાળકીને અડપલા કરનારા અજાણ્યા શખસની બોથડ પદાર્થ અને કુહાડીથી હુમલો કરી હત્યાના અઢી વર્ષ પહેલાના કેસમાં પ્રોસિક્યુશન પુરતા પુરાવા રજૂ નહિ કરી શકતા અદાલતે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, ગત તા.30/ 7/ 2023ના રોજ ન્યારી રોડ ઉપર હોટલ રિજન્સી લગુન વિસ્તારમાંથી એક અજાણ્યો શખ્સ ઉંમર વર્ષ આશરે 40 થી 50નો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યાના કિસ્સામાં
તાલુકા પોલીસે બોથડ હથીયાર, કુહાડી તથા હાથ વડે શરીરે તથા માથાના ભાગે ખૂન કરવાના ઈરાદા અને જાણકારી સાથે ગંભીર ઈજાઓ કરી તેનું મોત નીપજાવી પોલીસ કમીશ્નરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ સહિતના ગુના નોંધી હાથ ધરેલી તપાસમાં એક શંકાસ્પદ વ્યકિત મળેલ જેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સરનામું આપીને તેણે એક અજાણ્યા ઈસમનું બનાવના સ્થળે ખૂન કર્યું હોવાની અને તે અજાણ્યા શખસે પોતાની સગીર દીકરી (ઉ.વ. આ. 11) સાથે શારીરીક અડપલા કરતો હોવાથી તેને બોથડ હથીયાર, કુહાડી તથા હાથ વડે શરીરે તથા માથાના ભાગે હુમલો કરી મોત નીપજાવ્યાની કબુલાત આપી હતી. દરમિયાન પોલીસ દ્વારા મરણ જનાર વ્યક્તિની ઓળખ મેળવવા કરેલી તપાસમાં તેના કોઈ સગા સંબંધી કે ઓળખનાર મળી આવ્યું ન હતું. આથી લાશને અજાણી લાશ તરીકે જાહેર કરી ધોરણસરની કાર્યવાહી બાદ પોલીસ દ્વારા પુરાવાઓ એકઠા કરી આરોપી સામે તેની કબુલાતના આધારે ચાર્જશીટ કરવામાં આવેલ હતું. આ કેસ ચાલવા ઉપર આવતા આરોપી દ્વારા પોતાના બચાવ અર્થે કાનુની સેવા સતા મંડળમાંથી લીગલ એઈડ માંગતા આરોપીને ડિફેન્સ કાઉન્સેલ હિતેશ ગોહિલની ફાળવણી કરવામાં આવી હતી. આ કામમાં સરકાર પક્ષે કુલ 16 સાહેદો તપાસવામાં આવેલ હતા તથા 23- દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલ હતા.
જયારે આરોપીના બચાવમાં લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ દ્વારા દલીલો કરવામાં આવેલ કે પંચનામાઓ પુરવાર થયેલ નથી. ફરિયાદીએ બનાવ નજરે જોયેલ નથી. આરોપી દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલ કબુલાત પુરાવામાં ગ્રાહય રાખી શકાય નહીં. આ કામે એફ.એસ.એલ.નો રિપોર્ટ જોવામાં આવે તો આરોપીના કપડાં કે હથીયાર ઉપરથી મરણજનારના લોહીની હાજરી મળી આવેલ નહીં. મરણ જનારને ઈજાઓ હાલના આરોપી દ્વારા કરવામાં આવેલ નથી, ફરિયાદ પક્ષ નિ:શંકપણે પોતાનો કેસ પુરવાર કરી શકેલ ન હોય સહિતની દલીલો કરવામાં આવી હતી. જે ધ્યાને લઇ અદાલતે ભારતીય પુરાવાના કાયદાની જોગવાઈ જોતા “પોલીસ રૂબરૂની કબુલાત પુરાવામાં ગ્રાહય નથી.” જેથી આરોપીને ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં આરોપીના બચાવ પક્ષે લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ હિતેશ જી. ગોહેલ રોકાયા હતા.
