એશિયાઇ સિંહ, દીપડા અને દુર્લભ કીડીખાઉ સહિતના વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ સામે અસરકારક કાનૂની લડત બદલ રાજ્ય વન વિભાગ દ્વારા બહુમાન
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહ, દીપડા તથા દુર્લભ ગણાતા કીડીખાઉ સહિતના વન્યજીવો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા માં નોંધપાત્ર કાનૂની યોગદાન બદલ ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર કેતન સિંહ દિલીપસિંહ વાળા નું સાસણ ખાતે સન્માન કરવામાં આવેલ હતું. કેતનસિંહ વાળા ન્યાય વ્યવસ્થામાં નિષ્ઠા, નિર્ભયતા અને ઉચ્ચ કાનૂની કુશળતાના પ્રતીક તરીકે ઓળખાય છે. કાયદાના અક્ષર સાથે માનવતા અને જાહેર હિતને સમાન મહત્વ આપીને તેમને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અગાઉ બાળકો સામેના જાતીય ગુના ના અતિ સંવેદનશીલ કેસમાં તેમની ધારદાર, તર્કસંગત અને દ્રઢ દલીલોના પરિણામે રાજ્યમાં પ્રથમ વખત ગુનેગારને ફાંસીની સજા અપાવતો ઐતિહાસિક ચુકાદો પ્રાપ્ત થયો હતો, જે તેની કાનૂની તજજ્ઞતા નું જીવંત ઉદાહરણ છે. વનવિભાગના વિવિધ ગંભીર કેસો માં, ખાસ કરીને એશિયાઇ સિંહ, દીપડા, કીડીખાઉ તથા અન્ય સંરક્ષિત વન્ય જીવોના શિકાર, ગેરકાયદે વેપાર અને ક્રૂરતા સંબંધિત ગુનાઓ માં તેમણે સરકારશ્રીની તરફેણમાં મજબૂત અને દૃઢ દલીલ રજૂ કરી મહત્વપૂર્ણ ચુકાદાઓ મેળવ્યા છે. તેમના પ્રયત્નોથી વન્યજીવોના સંરક્ષણ અને મજબૂત કાનૂની આધાર મળ્યો છે. તેમની વ્યાવસાયિક વિશ્વસનીયતા અને કાનૂની પ્રતિભાને માન આપીને હૈદરાબાદ નેશનલ પોલીસ એકેડમી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેમિનાર માં તેઓ ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે આમંત્રિત થયા હતા જ્યાં તેમણે રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આવા વિદ્વાન, નીડર અને કર્તવ્યનિષ્ઠ કાનૂની સેનાનીનું વનવિભાગ દ્વારા સાસણ ખાતે સન્માન થવું વન્યજીવોના સંરક્ષણ માટે કાર્યરત સમગ્ર તંત્ર માટે પ્રેરણારૂપ ગણાવી રહ્યું છે.
