મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન અંગે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી એ મેળામાં રવેડીની પરંપરા, શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજી અને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તથા સાધુ સંતો- પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો .
આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
જૂનાગઢના મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.
નાયબ મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે. જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રી એ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડો. જયરામ ગામીત, જુનાગઢ ભવનાથ શ્રેત્રના સાધુ, સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા એક ખાસ ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
ભવનાથના શિવરાત્રી મેળાના મુખ્ય આકર્ષણો
(1) સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય બનાવવા તા. 11 ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા નીકળશે
(2) પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો, રવેડી રૂટમાં 500 મીટરનો વધારો કરીને 2 કિ.મી રૂટ કરાયો જેથી રવેડીના દર્શનનો લાભ મહત્તમ શ્રદ્ધાળુઓ લઈ શકશે
(3) સમગ્ર રૂટ ઉપર ભક્તિમય વાતાવરણ સાથે ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરાશે
(4) સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. (6)શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે.
(7)ભાવિકોના રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે
(8) પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે.
(9) જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે.
