નાયબ વન સંરક્ષક, ગીર પશ્ર્ચિમ વન વિભાગ જુનાગઢને આવેદન અપાયું
વિસાવદરના સામાજિક આગેવાન ઉદય કિશોરભાઈ મહેતા, અરવિંદભાઈ કરશનભાઈ ગોંડલીયા, હરિભાઈ જાની તેમજ કનકાઈ મંદિરના પૂજારી તરફથી જંગલ ખાતા સંબંધિત કેટલાક મહત્વના પ્રશ્નોના નિકાલ બાબતે આ રજૂઆત કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો નીચે દર્શાવેલ પ્રશ્નોનો યોગ્ય અને તાત્કાલિક નિકાલ દિન-5 ની અંદર કરવામાં નહીં આવે તો અમો સૌ મળીને આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસી જશું, જે બાબતની નોંધ લેવા આ આવેદનપત્ર આપવામાં આવે છે.
વિસાવદરના સુપ્રસિદ્ધ ગીર કનકાઈ મંદિર તરફ જવા તથા આવવા માટે નાલા ઉપર ભૂતકાળમાં આર.એન.બી. વિભાગ તરફથી મંજૂર કરવામાં આવેલ પુલના નિર્માણ બાબતે જંગલ ખાતા તરફથી વાંધો ઉઠાવવામાં આવતા ભાવિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી નાલા તથા પુલિયા બનાવવાની મંજૂરી આપી તાત્કાલિક નિવારણ કરવું જરૂરી છે.
તેમજ તોકતે વાવાઝોડા બાદ કનકાઈ કુંજે જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી રસ્તો ચાલુ કરવામાં આવેલ નથી. તેથી તે રસ્તો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગણી છે.
કનકાઈ મંદિરની જૂની ધર્મશાળા અતિ જર્જરીત હાલતમાં હોવાથી ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ નવી ધર્મશાળા બનાવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. વધુમાં વિસાવદર તરફથી આવતા દર્શનાર્થીઓને કનકાઈ મંદિરથી બાલગંગા (બાણેજ) દર્શનાર્થે જવા માટે છૂટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે. હાલમાં મંદિરમાં પ્રવેશનો સમય સવારે 8 વાગ્યાનો રાખવામાં આવેલ છે, જે સમય બદલીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દર્શન માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવે તેવી ભાવિકોની માંગ છે. ઉપરોક્ત તમામ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો અમો અચોક્કસ સમયગાળા માટે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસીશું, જે બાબતની જંગલ ખાતાના અધિકારીઓએ ગંભીર નોંધ લેવી જરૂરી છે.
