બ્રીજનું કામ 90% પૂર્ણ : ચૂંટણી પહેલા લોકાર્પણ પોણો અબજના સૌથી મહત્વના પ્રોજેકટનો મહત્વનો તબકકો : હજુ ત્રણ રાત કામ ચાલશે : એપ્રિલના પહેલા અથવા બીજા અઠવાડિયામાં ફોરલેન બ્રીજ પરથી વાહનો દોડતા થઇ જશે
રાજકોટમાં દસકાઓ જુનો સાંઢિયાપુલ નવા રંગરૂપ ધારણ કરી રહ્યો છે. પુલ હવે વિસ્તૃતિકરણ થઇને ફોર ટ્રેક બની રહ્યો છે. 90 ટકા કામ પુર્ણ થઇ ચુક્યુ છે. રેલવે ટ્રેક ઉપર ગડર ચડાવવાનું જોખમી કામ હાથ ધરવામા આવ્યુ છે. તે પણ પુર્ણતાના આરે છે. મનપાની ચૂંટણી પૂર્વે પુલનું લોકાર્પણ થઇ જાય તેમા શંકાને કોઇ સવાલ નથી. એપ્રિલના પહેલા અથવા બીજા અઠવાડિયામાં પુલ પર વાહન સળસળાટ દોડવા થઇ જવાના છે. જુના સાંઢીયા પુલની જગ્યાએ પોણો અબજના ખર્ચે ફોરલેન ઓવરબ્રીજ નિર્માણનું કામ હવે વેગમાં આવ્યું છે. ગઇકાલે રાત્રે રેલવેના પાટા ઉપરના સેન્ટ્રલ સ્પાનમાં સ્ટીલના સાત ગર્ડર મુકવામાં આવતા હવે આગામી દિવસમાં મહત્વની કામગીરી આગળ વધશે તેવું મનપાએ જાહેર કર્યુ છે. હાલના આયોજન અને કામની પ્રગતિ જોતા અગાઉ વ્યકત કરાયેલી ધારણા મુજબ એપ્રિલ માસના પહેલા અથવા બીજા અઠવાડિયામાં આ નવો બ્રીજ ખુલ્લો થઇ જાય અને શહેર ઉપર વધેલો ભારે વાહનોનો ટ્રાફિક બોજ હળવો થાય તેવું લાગી રહ્યું છે. આગામી તા. 11 માર્ચના રોજ મનપાની વર્તમાન બોડીની મુદત પુરી થઇ રહી છે. આથી શાસકોની વર્તમાન ટર્મમાં નવા બ્રીજનું લોકાર્પણ શકય બને તેમ નથી આથી મનપાની ચૂંટણી આચારસંહિતા વચ્ચે છતાં મતદાન પહેલા આ બ્રીજ કોઇ સરકારી કાર્યક્રમ વગર ખુલ્લો મુકી દેવાનો ટાર્ગેટ હાલ ફાઇનલ કરાયાનું જાણવા મળ્યું છે. હાલ 90% કામગીરી પુરી થયાનું તંત્રએ જાહેર કર્યુ છે. જોકે બાકીનું 10% કામ પણ પોણા બે મહિના તો ચાલે તેમ જ છે. શહેરમાં વધતા વાહન વ્યવહાર અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોર્પો. દ્વારા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજોના નિર્માણ અને નવીનીકરણના કામ ચાલી રહ્યા છે. આ દિશામાં જામનગર રોડ પર આવેલ હયાત 2-લેન સાંઢીયા પુલને ડિસ્મેન્ટલ કરી તેના સ્થાને આધુનિક સુવિધાઓ સાથેનો નવો 4-લેન ફ્લાય ઓવરબ્રિજ નિર્માણ કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 74 કરોડના ખર્ચે એસજેએમએમ એસવીવાય યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રિના સમયે રેલ્વે પાટા ઉપર સેન્ટ્રલ સ્પાનના 7 સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે પ્રોજેક્ટના મહત્વપૂર્ણ તબક્કા ગણાય છે. હજુ આગામી બે દિવસ રાત્રના સમયે રેલ્વેના બ્લોકના સમયગાળા દરમ્યાન ક્રોસ ગર્ડર અને પ્રેસીંગ વગરેની કામગીરી કરવામાં આવશે. આ નવા બ્રીજનું નિર્માણ થયે જામનગર રોડ પર ટ્રાફિક જામીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. રેલવે ક્રોસિંગ પર થતો વિલંબ પણ દૂર થશે.
