દારૂનો જથ્થો, બોલેરો, પશુ આહારની બોરીઓ સહિત કુલ રૂા.68.65 લાખનો મુદ્દામાલ કબ્જે
આગામી હોળી ધુળેટીનાં તહેવારોમાં કેટલાંક નબીરા નશાની હાલતમાં તહેવારો ઉજવતાં હોય ત્યારે બુટલેગરો તહેવારોનો લાભ લઈ મોટી રકમ રળવા માટે વિદેશી દારૂનો જથ્થાનો સંગ્રહ કરતાં હોય, ત્યારે આજે રાજુલા તાલુકાના ભચાદર ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો આવતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઈ.જી. નિર્લિપ્ત રાયને મળતાં એસ.એમ.સી.ના પોલીસ ઇન્સ્પે. આર.કે. કરામટા તથા તેમની ટીમ બનાવ સ્થળે ત્રાટકી 15178 જેટલી વિદેશી દારૂની બોટલ, કિંમત રૂપિયા 46.88 તથા એક ટ્રક, એક બોલેરો સહિત પશુ આહારની ચોકરની બોરી સહિત 68.65 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ બનાવમાં મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના ભચાદર ગામથી વડ ગામ તરફ જતા રોડ ઉપર આવેલ દાદુભાઈ ધાખડા વાડીમાં આજે એક ટ્રક તથા એક બોલેરો સહિતના વાહનમાં વિદેશી દારૂ ઉતારી અને કટિંગ કરવાંનું આયોજન બુટલેગર દ્વારા ગોઠવેલ હોય ત્યારે જ એસ.એમ.સી.ના પોલીસ ઇન્સ્પે. આર.કે. કરામટા તથા તેમની ટીમ બનાવ સ્થળે ત્રાટકી હતી. અને 15178 જેટલી વિદેશી દારૂની બોટલ, કિંમત રૂપિયા 46,88,675 તથા એક ટ્રક, એક બોલેરો કિંમત રૂપિયા 20 લાખ મોબાઇલ ફોન 1 પશુ આહારની ચોકરની બોરી સહિત રૂપિયા 68,65,710 ના જથ્થા સાથે જામનગર ગામે રહેતાં ટ્રક ડ્રાયવર વિજય આલાભાઇ વાગોરાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વાડી માલિક દાદુભાઈ સુરંગભાઈધાખડા સહિતના 8 શખ્સો ફરાર દરોડા દરમિયાન નાશી છૂટ્યાં હતાં.
આ બનાવમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. જ્યારે રાજુલાના મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુન્હો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
