રોદો આવતા બાઈક પરથી પડી જતા ગંભીર ઈજાથી મોત : ત્રણ સંતાનો નોંધારા બન્યા
ગોંડલ પંથક માં એક વાડીએથી મજૂરીનો હિસાબ કરી બીજી વાડીએ જતા ગુડ્ડીબેન ડાવરનું બાઈક પરથી પડી જતા મોત નીપજ્યું હતું. 37 વર્ષીય મૃતક પોતાના કૌટુંબિક જમાઈના બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે વાસાવડ પાસે બનાવ બન્યો હતો. ત્રણ સંતાને પહેલા પિતા અને હવે માતાની મમતા ગુમાવતા નોંધારા થઈ જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. સુલતાનપુર પોલીસે કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ. માટે ખસેડ્યો હતો.
બયાબાઈ ઉર્ફે ગુડ્ડીબેન ભલુભાઈ ડાવર (ઉંમર વર્ષ 37, રહે. સાકરોડા ગામ, તા. ભેંસાણ) તા. 20 માર્ચે રાત્રે 8.30 વાગ્યાં આસપાસ પોતાના કૌટુંબિક જમાઈ સુનિલના બાઈક પાછળ બેસીને ગોંડલના દેવડી નજીક આવેલ માયાપાદર ગામે જતા હતા. ત્યારે વાસાવડ ગામે પહોંચતા બાઈક પાછળ ગુડીબેન મગફળીનું પોટલું લઈને બેઠા હોય થોડોક અમથો રોદો આવતા મગફળીનું બાચકું પડી ગયું હતું અને સાથે ગુડ્ડી બેન પણ બાઈક ઉપરથી પડી ગયા હતા.
તેને ચહેરા ઉપર અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ હતા જેનું વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે ગુડ્ડીબેનના પતિ હયાત નથી. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશના વતની છે પરંતુ સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરતા હોવાથી ગુડ્ડીબેન ગઈ સીઝનમાં ભેંસાણના સાકરોડામાં પોતાના ભાઈ સાથે રહીં ખેત મજૂરી કરતા.
આ સીઝનમાં તેણે પોતાના જેઠના દીકરા જે ગોંડલના દેવડી પાસે માયાપાદરમાં વાડી વાવતા હોય ત્યાં મજૂરી કરવાનું નક્કી કર્યું હતું. જેથી સાકરોડાથી જમીનના માલિક સાથે હિસાબ કરીને હિસાબના પૈસા લઈને પોતે પોતાના કુટુંબિક જમાઈ સુનિલ સાથે બાઈક પાછળ બેસીને માયાપાદર આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ત્રણ સંતાને પિતા બાદ માતાની મમતા પણ ગુમાવતા નોંધારા થઈ જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
