મુંબઈ રહેતા ભાવિક દ્વારા શ્રીજી ચરણે ભાવ સમર્પણ
ભગવાન દ્વારકાધીશની પવિત્ર કર્મભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરમાં દરરોજ દેશ-વિદેશમાંથી લાખો ભક્તો દર્શન માટે આવે છે. ભક્તો પોતાની મનોકામનાઓ લઈને ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરે છે અને મનોકામનાઓ પૂર્ણ થતાં આભારરૂપે વિવિધ ભેટો અર્પણ કરતા હોય છે.
આ જ ભક્તિભાવને આગળ વધારતા તાજેતરમાં મુંબઈ ખાતે રહેતા શ્રીજીના એક પરમ ભક્ત દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશને આશરે 1900 ગ્રામ ચાંદીથી બનેલું સુંદર ધનુષ અને ત્રણ બાણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર અર્પણ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત ભક્તોએ પણ આ પ્રસંગને હર્ષભેર નિહાળ્યો હતો.
મંદિર સંચાલન દ્વારા દાતાઓનો આ પવિત્ર અર્પણ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભગવાન શ્રી દ્વારકાધીશ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
