રૂ. સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
દ્વારકામાં સ્થાનિક પોલીસે રૂપેણબંદર વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રાખી અને રિફિલિંગ કરતા ઝડપી લઇ, મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર સહિત કુલ રૂપિયા 3.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસિયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને મલિક ગેસ એજન્સી નામની ગેસ એજન્સીના સંચાલક તથા ગેસના ચુલાનું રીપેરીંગ કામ કરતા સહાદતહુસેન અલ્તાફહુસેન મલિક (ઉ.વ. 35) મોહમ્મદ મોહીનુદ્દીન રહીમ શેખ (ઉ.વ. 19) અને ગેસ એજન્સીમાં કામ કરતા નજીર રહીમ શેખ (ઉ.વ. 21) નામના ત્રણ શખ્સોએ જાહેરમાં આગ લાગે અથવા સળગી ઊઠે તે રીતે માણસોની જિંદગી જોખમાય તેમ ગેરકાયદેસર રીતે બેદરકારીપૂર્વક ઘર વપરાશના ગેસના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસનું રિફિલિંગ કામ કરતા પોલીસે ઝડપી લીધા હતા.
અહીં આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટેનું કૃત્ય કરી, કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો વગર કામગીરી કરતા જુદી જુદી કંપનીના ખાલી તેમજ ભરેલા 202 જેટલા ગેસ સિલિન્ડર ઉપરાંત ચાર ઈલેક્ટ્રીક મોટર, વાયર, પાઇપ, રેગ્યુલેટર, વજન કાંટો વિગેરે સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 3,48,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ, ત્રણેય શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 287 તથા વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજ વસ્તુ ધારા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
