ધારીના દેવળા ગામે ઝેરી મધમાખીઓનો હુમલો: ડંખથી 6 લોકો ઈજાગ્રસ્ત થયા


અચાનક મધમાખીના હુમલાથી ભાગદોડ મચી ગઈ

ધારી તાલુકાના દેવળા ગામે આજે અચાનક જ એક ઝેરી મધમાખીઓના ઝુંડે હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.જેમાં દેવળા ગામના બસ સ્ટેન્ડ નજીક બેઠેલા લોકોને અચાનક મધમાખીઓના ઝુંડે ઘેરી લીધા હતા. અને હુમલો કર્યો હતો. આ બનાવમાં બસ સ્ટેન્ડ પાસે બેઠેલા કુલ 6 વ્યક્તિઓને મધમાખીઓએ ડંખ મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ધારી સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
અચાનક થયેલા આ મધમાખીઓના હુમલાને કારણે સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી. અને આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગામલોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી આ વિસ્તારમાં મધમાખીની સંખ્યા વધી રહી છે, જેના કારણે આવી ઘટનાઓનો ભય યથાવત રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં આ જ દેવળા ગામમાં સિંહોના હુમલાની ઘટના બની હતી, જેમાં એક પશુપાલકના વાડામાં 18 જેટલા સિંહોએ ત્રાટકી 11 જેટલા પશુઓનો શિકાર કર્યો હતો. એક પછી એક બનતી આવી ઘટનાઓને કારણે દેવળા ગામમાં લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા આવા બનાવો સામે સાવચેતીના પગલાં લેવા અને ગ્રામજનોને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ