વિશેષાંકમાં વઢવાણ તાલુકાનો ઈતિહાસ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા પલાશ મુખપત્ર બહાર પાડવામાં આવે છે. જે અંતર્ગત જુદાજુદા વિશેષાંક બહાર પાડવામાં આવે છે. વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વઢવાણ તાલુકાનો ઈતિહાસ ભણાવવામાં આવે તે માટે વઢવાણની પરકમ્મા વિશેષાંક પ્રગટ કર્યો છે. આ વિશેષાંક વિશે ડાયેટના પ્રાચાર્ય ડો સી ટી ટૂંડિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ના સેક્શન-4માં જે તે વિસ્તારના પર્યાવરણ, ઇતિહાસ અને એની ધરોહરની બાબતે વિદ્યાર્થીઓને જ્ઞાત કરવા સૂચવ્યું છે. તેને ધ્યાને રાખીને આ અંક બહાર પાડવામાં આવ્યો છે. જે વઢવાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવશે.જેમાં ધોરણ-6થી 8 ના વિદ્યાર્થીઓને સ્થાનિક ઇતિહાસ, પર્યાવરણ, ભૌગોલિક બાબતો અને ધરોહર વિશે શીખવવામાં આવશે.આ અંકનું વિમોચન વિમોચન જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો ભદ્રસિંહ વાઘેલા અને ડાયેટના પ્રાચાર્ય ડો સી ટી ટૂંડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.વિમોચન પ્રસંગે પલાશના તંત્રી ડો.કોમલબેન, વઢવાણ તાલુકાના લિએજન વિમલ દંગી, સમગ્ર શિક્ષામાંથી દિનેશભાઈ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ જી રથવી અને વઢવાણ તાલુકાના બીઆરસી નરેશભાઈ બદ્રેશિયા ઉપસ્થિત રહ્યા હતાં. વઢવાણની પરકમ્મા અંકના સંપાદનકાર્ય કરવામાં વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓના અસવાર દશરથસિંહ સહિત શિક્ષકોનો પણ સહયોગ મળ્યો છે, જેમને સંપાદન કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.
