વર્કરો વતન પાછા ફરે તેવી પરિસ્થિતિ : ગેસની અછતથી ઉદ્યોગો મુશ્કેલીમાં : ચેમ્બર
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા MSME એકમોના વર્કરોને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય મળી રહે તે માટે ડો. ઓમ પ્રકાશ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
વર્તમાન વૈશ્ર્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં ઔદ્યોગિક એકમોને નિયમિત ગેસ સપ્લાય ન મળવાથી ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. સાથે જ, જ્યાં હજારો કર્મચારીઓ માટે કેન્ટીન સુવિધા ચાલી રહી છે, ત્યાં પણ ગેસ સિલિન્ડરની અછતને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.
ખાસ કરીને MSME એકમોમાં જ્યાં વર્કરો સ્થળ પર જ રહે છે અને કાર્ય કરે છે, ત્યાં ગેસ સિલિન્ડર ન મળવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. આવા એકમોને તેમના કર્મચારીઓનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે, જેના પરિણામે કેટલાક વર્કરો પોતાના વતન તરફ પરત જવા મજબૂર થઈ રહ્યા છે. આ સંદર્ભમાં ચેમ્બરે તાત્કાલિક ધોરણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ર્ચિત કરવાની માંગ કરી છે. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ આગામી ત્રણ મહિનામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક કઙૠ સિલિન્ડરની જગ્યાએ ગેસ પાઇપલાઇન સુવિધા શરૂ કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
