રાજકોટમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં મંગળવારે સવારથી પલટો આવ્યો છે. મોટાભાગના શહેરોમાં વાદળિયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ભાવનગરમાં મંગળવારે બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની માવઠું વરસ્યું હતું. જ્યારે રાજકોટમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી.
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ ફરી એકવાર આજથી બે દિવસ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે આ હવામાન પલ્ટાની અસર આજરોજ સવારથી જ રાજકોટ શહેરમાં પણ દેખાઇ રહી છે અને ધુપછાંવ વચ્ચે ઝડપી સુસવાટા મારતો પવન ફુંકાઇ રહ્યો છે. ખાસ કરીને આજે બપોરે 1ર વાગ્યાથી શહેરમાં વંટોળીયાએ સ્પીડ પકડી હતી. સ્થાનિક હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આજે બપોરે 1ર થી ર વાગ્યા વચ્ચે સૌથી વધુ 30 કિ.મી.થી વધુની ઝડપે પવન ફુંકાયો હતો. દરમ્યાન બપોરે ર.30 કલાકે રાજકોટનું તાપમાન 36 ડિગ્રી નોંધાયુ હતું. જયારે હવામાં ભેજ 38 ટકા નોંધાયો હતો અને પવનની ઝડપ ર0 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જ્યારે આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન ર6.ર અને લઘુતમ તાપમાન રર.7 ડિગ્રી નોંધાયુ હતું. અને હવામાં ભેજ 8ર ટકા રહ્યો હતો. તેમજ પવનની સરેરાશ ઝડપ 14 કિ.મી. રહેવા પામી હતી.
ભાવનગર
ભાવનગર શહેરમાં મંગળવારે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા મુશળધાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભરઉનાળે ગાજવીજ અને ભારે પવન સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, શહેરમાં 20.2 મી.મી. વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદની તીવ્રતા અને પવનના જોરને કારણે શહેરના વિદ્યાનગર અને કુમુદવાડી વિસ્તારમાં એક મકાનની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની હતી.
ભર ઉનાળે ચોમાસાનો માહોલ
ભાવનગરમાં આજે મંગળવારે બપોરે પોણો ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભર ઉનારે કમોસમી વરસાદથી ચોમાસા જેવો માહોલ બની ગયો હતો.
ખંભાળિયા
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે આજે સવારથી તેજ પવન ફૂંકાયો હતો. વંટોળિયા જેવા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે ખાસ કરીને ગૃહિણીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડા ફૂંકાયેલા પવનના તાપમાનનો પારો ગગડ્યો હતો અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.
