કારખાના માલિકોને ઈંધણની વ્યવસ્થા કરવાની ફરજ પડી : ગેસથી માંડીને લાકડા પુરા પાડી શ્રમિકોની વતન વાપસી રોકવા પ્રયાસો
મધ્યપૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેના યુધ્ધથી ભારતમાં ખાસ કરીને રાંધણ ગેસનું સંકટ સર્જાયું છે. પરિણામે શ્રમિક-મજુર વર્ગની હાલત ખરાબ થતાં કામ છોડીને વતનની વાટ પકડવા લાગ્યા છે. શ્રમિકોને અટકાવવા કારખાનાઓના માલિકોને પણ તેઓ માટે ઇંધણની વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે છતાં પરત ફરવાનો પ્રવાહ ચાલુ જ છે.
રાંધણ ગેસની અછતની સૌથી વધુ અસર ઉદ્યોગો તથા તેમાં કામ કરતા શ્રમિકો પર છે. કારખાનાઓની કામદાર કોલોનીમાં જ રહેતા શ્રમિકો નાના સિલીન્ડરોના આધારે રસોઇ-ભોજનની વ્યવસ્થા કરતા હોય છે. કેટલાંક વખતથી તે મેળવવામાં પરેશાની થઇ રહી છે. ઉંચા ભાવ ચુકવવા પડે છે છતાં દોડધામ કરવી પડે છે. આ સંજોગોમાં કામ છોડીને વતનની વાટ પકડવા લાગ્યા છે.
ઉદ્યોગજગતના સૂત્રોએ કહ્યું કે કારખાનાઓને ગેસનો પડકાર હતો. હવે મજુરો-શ્રમિકોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે અર્ધોઅર્ધ મજુરોએ વતનની વાટ પકડી લીધી છે અને અર્ધા મજુરોથી જ કારખાના ચલાવવાની ફરજ પડી રહી છે. અમુક કારખાનામાં તો 60-70 ટકા મજુરો વતન ભેગા થઇ ગયા હોવાથી તેમાં હાત વધુ ખરાબ છે.
રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રમાં સમાન હાલત છે. રાંધણગેસની સપ્લાય નિયમિત ન થાય તો આવતા દિવસોમાં વધુ ગંભીર હાલત ઉભી થઇ શકે છે. નિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા કીચનવેરના કારખાનેદારે કહ્યું કે 280 કામદારોના બદલે માત્ર સવાસો શ્રમિકોથી કારખાનું ચલાવવાની ફરજ પડી રહી છે. બાકિના વતનભેગા થઇ ગયા છે. તે પાછળનું એક કારણ રાંધણગેસની અછત છે. જો કે, આગામી લગ્નગાળાની પણ આંશિક અસર છે. ગુજરાતમાં મોટાભાગે ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઓડિશાના શ્રમિકો કામ કરતા હોય છે.
શાપર-વેરાવળ, મેટોડા, મોરબી જેવી મોટી ઔદ્યોગિક વસાહતો પરપ્રાંતિય કામદારો પર જ નિર્ભર છે. મોટા કારખાનાઓના સંકુલમાં જ શ્રમિકોને રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે અને રસોઇ-ભોજન ગેસ પર જ નિર્ભર હોય છે. અત્યાર સુધી ક્યારેય ગેસની અછત થઇ ન હતી. એટલે આવી હાલતનો અનુભવ પણ પહેલો જ છે. કારખાનામાં જ રહીને કામ કરતાં શ્રમિકોને નિયમિત રાંધણગેસ સિલીન્ડર મળતા રહે તે માટેવેપાર ઉદ્યોગ સંગઠનો પણ મેદાને આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સે જીલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.
