વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્રમાં દોડધામ જૂની કલેક્ટર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મી લાંચ માંગતો હોવાનો વીડિયો વાયરલ

રાજકોટ સહિત રાજયની કેટલીક સરકારી કચેરીઓમાં નેવૈદ્ય વગર કામ થતા ન હોવાની ફરિયાદો અરજદારોમાંથી સમયાંતરે ઉઠતી રહે છે. જેમાં શહેરની જુની કલેકટર કચેરીમાં બેસતી નાયબ કલેકટર કચેરી (ગ્રામ્ય વિભાગ-2)માં આવેલ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન વિભાગમાં એક કોન્ટ્રાકટબેઇઝ કર્મચારી કામના બદલામાં અરજદારો પાસેથી નાણા માંગતો હોવાનું સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલ છે.
આ કચેરીમાં કામ સબબ આવેલ એક જાગૃત નાગરિકે આ ઘટનાનો ગુપ્ત રીતે વિડીયો ઉતારી વાયરલ કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે.
આ પ્રકરણમાં ચર્ચાતી વિગતો રાજકોટના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. જો કોઈ અરજદારને અહીં કોઈ પણ પ્રકારનું કામ હોય તો તેણે પહેલાથી જ રૂ. 5,000 લાંચ માટે તૈયાર રાખવા પડે છે. અહીં ગમે તેવું કામ હોય, ઘૂસનો ભાવ એકજ છે – પાંચ હજાર રૂપિયા! આ વિભાગમાં જ્યારે કોઈ અરજદાર અરજી કરે, ત્યારે તેને એકથી બે મહિના સુધી માત્ર તારીખો જ આપવામાં આવે છે. વારંવાર ધક્કા ખાઈને જ્યારે અરજદાર કંટાળી જાય, ત્યારે આ લોકો અરજદારને એવું કહે છે કે “અમારું કંઈક સમજો”. ત્યારબાદ કંટાળીને અને મજબૂર બનીને અરજદાર આ લોકોને લાંચ આપવા તૈયાર થાય છે.
આ વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો એક આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસે રૂ. 5,000 ની માંગણી કરી રહ્યો છે અને રૂ. 2,000 રોકડા લેતો પણ નજરે પડે છે. આ દ્રશ્યો જોઈને એવી ચર્ચા જાગી છે કે જો આ કર્મચારીઓ એક કામના રૂ. 5,000 લેતા હોય, તો તેમની રોજીંદી આવક કેટલી હશે? આ સમગ્ર કૌભાંડ માત્ર એક આઉટસોર્સ કર્મચારી પૂરતું સીમિત હોય તેવું લાગતું નથી. વિડિયોમાં આ કર્મચારી તેની સાથે કચેરીની અંદર નોકરી કરતા અન્ય સહ-કર્મચારીનો નામજોગ ઉલ્લેખ કરતો પણ સંભળાય છે. વધુમાં, તે બીજા એક કર્મચારી સાથે ભાગીદારીમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો ઈશારો કરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વાતચીત દરમિયાન આ કર્મચારી તેના કોઈ ઉપરીનો ઉલ્લેખ કરે છે, જેનું નામ ’ફિરોઝ’ હોવાનું જણાઈ રહ્યું છે. તો આ ’ફિરોઝ’ છે કોણ? અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે? આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ