દ્વારકામાં આર્મીનો ડ્રેસ પહેરી રોફ જમાવતો રાજસ્થાની ઝડપાયો

આર્મીનું બોગસ આઈકાર્ડ નીકળતા પોલીસે ગુનો નોંધ્યો

દ્વારકામાં આવેલી એક હોટલ પાસેથી પોલીસે એક રાજસ્થાની શખ્સને આર્મીનો જવાન હોવાનું ખોટું નામ ધારણ કરી, ખોટા ડોક્યુમેન્ટ સાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર બનાવની સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના શિરોહી જિલ્લાના માંડવાડા (ખાલસા) ગામે રહેતા કમલેશકુમાર પ્રબારામ રેબારી નામના 19 વર્ષના શખ્સને પોલીસે ઠગાઈ કરવાના ઈરાદાથી આર્મીનો ડ્રેસ પહેરી, આર્મી જવાન હોવાનું ખોટું નામ ધારણ કરીને તેમજ ખોટા નામનું ડોંગ્રા રેજીમેન્ટ આર્મીનું આઈકાર્ડ બનાવી, ઠગાઈ કરતા ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માણેકની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આરોપી કમલેશકુમાર રેબારી સામે બી.એન.એસ.ની કલમ 204, 168, 336 (3) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
પ્રવેશબંધીના હુકમનો અનાદર કરી સલાયામાં આવેલા શખ્સની અટકાયત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગોદીપાડો વિસ્તારમાં રહેતા અસગર રજાક સંઘાર નામના 30 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સ સામે થોડા સમય પૂર્વે સલાયા મરીન પોલીસ મથકમાં એનડીપીએસ તેમજ ગુજસીટોક વગેરેની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગે થયેલી કાર્યવાહી બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસમાં આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આરોપી અસગર રજાક સંઘારના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ઉપરોક્ત શખ્સ રવિવારે રાત્રિના આશરે સવા વાગ્યાના સમયે સલાયાની મેઈન બજાર સ્થિત નવી નગરપાલિકા પાસેથી રાત્રિના અંધારામાં લપાતો છુપાતો શંકાસ્પદ હાલતમાં દુકાનોના તાળા ફંગોળતો પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.
બે જુગારીઓ ઝડપાયા
દ્વારકામાં ગાયત્રી મંદિર પાસે ચોપાટી પાસેથી પોલીસે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા ભરતસિંહ ધીરુભા જાડેજા અને કારાભા રાજપાલભા માણેકને ઝડપી લઇ, કુલ રૂ. 15,460 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ