ઉનાના ઉમેજ ગામે મધમાખીના હુમલાથી આધેડનું ઘટના સ્થળે મોત

વાડીએ રખોપું કરવા ગયેલા કાળુભાઈ ગોહિલનો મૃતદેહ સવારે મળ્યો

ઉના તાલુકાના ઉમેજ ગામમાં મધમાખીના હુમલાથી 58 વર્ષીય આધેડ કાળુભાઈ મેઘાભાઈ ગોહિલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ ઘટના ગત રાત્રિના સમયે બની હતી.કાળુભાઈ ગોહિલ તેમની સીમવિસ્તાર માં આવેલી વાડીએ રખોપું કરવા ગયા હતા. વાડીમાં ઝેરી મધમાખીનો પૂડો હતો. રાત્રિના અથવા વહેલી સવારે મધમાખીના ઝુંડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. મધમાખીના હુમલાથી બચવા માટે કાળુભાઈએ દોડ મૂકી હતી, પરંતુ તેઓ વાડી નજીકના એક ખાડામાં પડી ગયા હતા. ઝેરી મધમાખીઓએ તેમના ચહેરા અને શરીર પર અસંખ્ય ડંખ માર્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.સવારે તેમના પરિવારજ નો વાડીએ પહોંચ્યા ત્યારે કાળુભાઈનો મૃતદેહ ખાડામાં પડેલો જોવા મળ્યો હતો. તેમના શરીર પર ઝેરી ડંખના નિશાન અને મધ પણ જોવા મળ્યું હતું. તાત્કાલિક તેમના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે કાળુભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ ઉના પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ પણ હોસ્પિટલે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કાળુભાઈ ના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

રિલેટેડ ન્યૂઝ