સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અમરેલીમાં માહોલ, પણ જનતામાં કોઇ ઉત્સાહ નહીં

કોંગ્રેસ અને ભાજપ બન્નેને તક આપી પણ અનેક પાયાના પ્રશ્ર્નો ઠેરના ઠેર

અમરેલી, સાવરકુંડલા સહિત જિલ્લાની અર્ધો ડજન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી હોય રાજકીય પક્ષો ઘ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એકાદ-બે દિવસમાં ઉમેદવારોનાં નામની યાદી જાહેર થઈ રહી છે.
બીજી તરફ જિલ્લાનાં ર લાખ જેટલા શહેરી મતદારોમાં ચૂંટણીને લઈને કોઈ ઉત્સાહનો માહોલ જોવા મળતો નથી.
છેલ્લા ર થી 3 દાયકાથી મતદારોએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને પાલિકાનું શાસન સોંપેલ બદલામાં બંને રાજકીય પક્ષો શહેરીજનોની અપેક્ષા પૂર્ણ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે.
શહેરી વિસ્તારમાં બિસ્માર માર્ગો, બંધ સ્ટ્રીટલાઈટ, ગંદકી, જાહેર શૌચાલયોની અવદશા, વિકરાળ ટ્રાફિક સમસ્યા, ઉભરાતી ગટરો, જાહેર માર્ગો ઉપર દબાણો, રખડતા પશુઓ સહિતની અનેક સમસ્યાઓ જડમુળથી નેસ્તનાબુદ થઈ શકી નથી. મોટાભાગની પાલિકા ભ્રષ્ટાચારનાં કારણે વિવાદમાં જ આવી રહી છે. અનેકનગરસેવકો કે પ્રમુખ, કારોબારી ચેરમેન જેવા મહત્વનાં પદાધિકારી આર્થિક રીતે સઘ્ધ થઈ ગયા હોય શહેરી મતદારોમાં ઉત્સાહની કમી જોવા મળી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે મતદાન વધારવા માટે ચૂંટણી વિભાગે મતદારોને પ્રોત્સાહિત કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

રિલેટેડ ન્યૂઝ