મવડીની સોસાયટીનાં બોરમાં ગટરનું પાણી ભળ્યું: મહીલાઓનું ચકકાજામ

સોસાયટીની મહીલાઓએ થાળી અને વેલણ વગાડી વિરોધ નોંધાવી નેતાઓને ચીમકી આપી

મનપાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે વોર્ડ નં.12ના મવડી વિસ્તારમાં દુષિત પાણીને લઈને અવાજ ઉઠયો છે. આ વિસ્તારના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી આર્યમાન રેસીડેન્સીના બહેનોએ આજે ગોવર્ધન ચોકમાં થાળીઓ વગાડી ચકકાજામ કરતા ભર બપોરે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પીવાના પાણીની લાઈનમાં પખવાડિયાથી ડ્રેનેજનું અથવા એસીડ જેવું પાણી ભળી ગયાનું લોકોને લાગ્યું છે. જેથી આરોગ્ય પર મોટુ જોખમ સર્જાયું હોય અનેક પરિવારોમાં ઝાડા-ઉલ્ટીના કેસ પણ બન્યા છે. આથી તત્કાલ મનપા તંત્ર પાણીની લાઈનનું ચેકીંગ શુધ્ધ પાણીની વ્યવસ્થા કરાવે તેવી માંગણી સૂત્રોચ્ચાર સાથે કરી હતી. પાણીના નમુના લેવા લોકોએ માંગ કરી છે. તો થાળી વેલણ વગાડી ચૂંટણી પૂર્વે નેતાઓને ચીમકી પણ આપી છે.
શહેરના મવડી વિસ્તારમાં આવેલી આર્યમન સોસાયટીમાં છેલ્લા 10 થી 20 દિવસથી દૂષિત ભૂગર્ભજળની ગંભીર સમસ્યા ઉભી થતાં રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સોસાયટીમાં પુરવઠો થતું પાણી ડ્રેનેજ અથવા એસિડ જેવી દુર્ગંધ ધરાવતું હોવાના કારણે તેનો સ્વાદ પણ અપ્રિય બની ગયો છે.
રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ડ્રેનેજનું ગંદુ પાણી ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે, જેના કારણે અનેક લોકો ઉલટી, ઝાડા સહિતની આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સમસ્યા વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિને પગલે સોસાયટીના રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓએ પાણી પુરવઠા પ્રણાલી અને ડ્રેનેજ લાઇનનું તાત્કાલિક નિરીક્ષણ, લીકેજ શોધી બંધ કરવું, પાણીની ગુણવત્તા ચકાસણી તેમજ જરૂરી સુધારાત્મક પગલાં લેવાની માંગણી કરી છે.
આ મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરતાં સોસાયટીના લોકો આજે સવારે 9:30 વાગ્યે થાળી અને વેલણ સાથે વિરોધ પ્રદર્શન કરશે, જેમાં અંદાજે 100 થી 125 લોકો જોડાશે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ચૂંટણી ઉમેદવારો જાહેર થતા પૂર્વે જ આજે બહેનોએ પાણી દેખાડયું હતું.

રિલેટેડ ન્યૂઝ