200 કરોડના કૌભાંડી અમીત ભાણવડીયાની 15 મિલ્કત ટાંચમાં લેવાશે

સીએના રીપોર્ટમાં મોટા હવાલા બહાર આવવાની શકયતા : ગૃહ વિભાગને રીપોર્ટ મોકલાશે

શહેરના અનેક શ્રીમંત લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર અમીત ભાણવાડીયાના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે ટોપ ગીયરમાં આવી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે અને ચાર્જશીટની તૈયારીમાં રહેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગુનાના મહત્વપૂર્ણ સીએનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની તૈયારીઓ ચાલી રહી છે અને રિપોર્ટ આવતાં જ સૌથી મોટા આર્થીક કૌભાંડમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થવાની શકયતા સેવાઈ રહી છે.
ઉપરાંત અમિતની ક્રાઈમ બ્રાન્ચની ટીમને 10 થી વધું મિલકતો હાથમાં આવી છે. જે અમિત ભાણવાડિયા, તેની પત્ની, પરિવારજનો કે સબંધીના નામે જેટલી પ્રોપર્ટી નીકળશે તે ટાંચમાં લેવા ગૃહ વિભાગને રીપોર્ટ પણ કરવામાં આવશે.
સમગ્ર કૌભાંડમાં નજર નાખીએ તો ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં વડાલીયા પરિવારના દર્શનભાઇ રસિકભાઇ વડાલીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ર019માં વિજય માકડીયા અને અમિત ભાણવડીયાએ ક્રશર પેઢીમાં રોકાણ કરવાનું જણાવી વાત કરેલ કે અમે બંને દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીએ છીએ તેમાં તમે પૈસાનું રોકાણ કરો તો તમને વાર્ષિક 12 ટકાના વળતર આપવાની વાત કરી ફરીયાદી અને તેના પરિવારના પેઢીમાં રોકેલ રૂ.6.90 કરોડ અને તેનું વળતર મળી રૂા. 10.99 કરોડ પરત ન કરી છેતરપીંડી આચરતા ફરીયાદ નોંધાવી હતી.
ગુનાની ગંભીરતા જોઈ ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા આરોપીઓને પકડી તટસ્થ તપાસ કરી ભોગ બનનારને ન્યાય મળે તેમ તપાસ કરવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ આદરી હતી. મુખ્ય આરોપી અમીત રમેશ ભાણવડીયાને ગુનો દાખલ થતાં જ તુરંત દબોચી લઈ પાંચ દિવસના રિમાન્ડ બાદ વધું બે દિવસના ફડધર રિમાન્ડ પણ મેળવ્યા હતા.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી અમિતે કબુલાત આપી હતી કે, તેને શહેરમાંથી તેમજ અન્ય વિસ્તારમાંથી લગભગ 500 કરોડથી વધુની રકમ મેળવી છેતરપિંડી આચરેલ છે. તેમજ તે અને વિજય મંકડીયા તમામ રૂપિયા એમસીએક્સ અને તીનપતીના જુગારમાં હારી ગયેલ ઉપરાંત રિયલ એસ્ટેટના ધંધામાં પણ બ્લોક થતા તેમના પૈસા ગુમાવેલ છે. જેથી તેઓએ જે લોકો પાસેથી રૂપિયા લીધેલ હતા તેઓને વળતર અને મૂડી પરત કરવા માટે અન્ય લોકો પાસેથી રૂપિયા લેતા જતા હતા અને સામે પ્રોપર્ટીના રૂપિયા બ્લોક થઈ જતા રૂપિયાની તંગી આવી હોવાની પણ કબુલાત આપી હતી.
ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસના અંતિમ મોડમાં પહોંચી હોય તેમ સીએને સાથે રાખી અમિત ભાણવાડિયાની લગત પેઢીઓની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે આજ સાંજ સુધીમાં સીએ દ્વારા તૈયાર કરેલ રિપોર્ટ આવી જવાની શક્યતાઓ હોવાથી મોટા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, 10 થી વધું મિલકતો પોલીસના હાથમાં આવી છે. જેમાં હાલ તપાસ ચાલું છે, જેમાં અમિત ભાણવાડિયા, તેની પત્ની, પરિવારજનો કે સબંધીના નામે જેટલી પ્રોપર્ટી નીકળશે તે ટાંચમાં લેવાં ગૃહ વિભાગને રીપોર્ટ પણ કરવામાં આવશે.
અમીત ભાણવડીયા મેઘ નામની પેઢીના નામે ભોગ બનનાર પાસેથી રૂપીયા લઈ અલગ અલગ પેઢીમાં રૂપીયા નખાવતો હતો. જે રૂપીયા ઉપાડી લીધાં કે તેમાં જ જમા છે તે રિપોર્ટ આવ્યાં બાદ ઘટસ્ફોટ થશે.
105 સાહેદે નામ લખાવ્યા ’તાં, નિવેદન 65 લોકોએ જ આપ્યા
અમિત ભાણવડીયા અને વિજય માંકડીયાના સૌથી મોટા આર્થિક કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે માસ પહેલા જીપીઆઇડી એકટ હેઠળ ગુનો દાખલ કરી ભોગ બનનાર લોકોને સામે આવવા અપીલ કરી હતી. જે બાદ તુરંત જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે અંદાજે રૂ.500 કરોડનું કૌભાંડ હોવાની શક્યતાના આધારે 105 લોકોએ નામ લખાવ્યા હતાં. જો કે, જે ગુનાને ત્રણ માસ થવા આવ્યા છતાં હજું 65 લોકો જ નિવેદન નોંધવવા આવ્યાનો ખુલાસો થયો છે. જેથી ભોગ બનનાર ડર્યા કે નાણાં બ્લેકના છે તે પણ ચર્ચા જાગી છે.
અમિતનો સાગરીત વિજય માંકડીયા હજું ફરાર
અમીત ભાણવાડીયાના આર્થીક કૌભાંડમાં તેની સાથે તેનો સાગરીત વિજય માંકડીયા પણ તેટલો જ સામેલ હોવાનું ફરીયાદ પરથી ફલિત થયું હતું. જો કે, હજું તે પોલીસ પકડથી દૂર છે. તેના લોકેશન ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટ્રેસ કરી રહી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અન્ય કેટલાંક સાગરીતોની પણ પૂછતાછ કરી છે. આગામી સમયમાં ભોગ બનનાર લોકો ન્યાય મળવાની આશા જાગી છે.

રિલેટેડ ન્યૂઝ