તાત્કાલીક પગલા ભરવાની માંગ સાથે ઉમેદવારોની કુલપતિ-રજિસ્ટ્રારને રજુઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના નોનટીચીંગ સ્ટાફની ભરતી માટે ગત તા.16 માર્ચના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં પાસ થનારા 30 જેટલા ઉમેદવારોને ગેરલાયક ઠરાવાતા દેકારો બોલી જવા પામેલ છે. આ મામલે ઉમેદવારો દ્વારા ગઈકાલે યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિ.ની નોન ટીચીંગ સ્ટાફ માટેની પ્રથમ તબકકાની આ ભરતી પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોએ આ મામલે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ગત તા.16 માર્ચના રોજ તેઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ઉતીર્ણ થયા બાદ ગઈકાલે પ્રમાણપત્રો અને માર્કસીટની વેરીફીકેશનની કામગીરી ગઈકાલે યુનિ.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરજ પરના સ્ટાફ દ્વારા ભરતી માટેનું અરજી ફોર્મ અધુરૂ છે. ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં આવી નથી. ડોકયુમેન્ટ અપૂરતા છે તેવું બહાનુ બતાવી ફોર્મને રીજેકટ કરી દેવામાં આવ્યાની ફરીયાદ ઉમેદવારોએ કરી હતી. આ મામલે તત્કાલ પગલા લેવાની માંગણી ઉમેદવારોએ દોહરાવી હતી. ત્યારે કેટલાક ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી કૌભાંડ કરાયાની ફરીયાદ પણ ઉઠાવી હતી. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે તાબડતોબ પગલા લેવામાં એવો સુર ઉમેદવારોએ વ્યકત કર્યો હતો.
