ક્રાંતિકારી મહિલા અનામત-બેઠક સીમાંકન ખરડાને કેબીનેટની મંજુરી સંસદમાં મહિલાઓની સંખ્યા 269, ધારાસભામાં 2041 થશે: ઐતિહાસિક નિર્ણય

16મી એપ્રિલથી સંસદના ખાસ સત્રમાં બિલ પસાર કરાશે: 2029ની સામાન્ય ચૂંટણીથી અમલ શરૂ થવાની શક્યતા

સંસદ તથા રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા નરેન્દ્ર મોદીએ તૈયાર કરેલા માસ્ટર પ્લાન અંતર્ગત 30 ટકા મહિલા અનામત બીલ તથા બેઠકોના નવા સિમાંકનને કેબીનેટમાં મંજુરી આપવામાં આવી હતી. આગામી 16મીથી શરૂ થનાર સંસદના ખાસ સત્રમાં તેને પસાર કરવામાં આવશે જેને પગલે લોકસભાની કુલ બેઠકોની સંખ્યા 543થી વધીને 816 થશે અને તેમાંથી 269 બેઠકો મહિલા અનામત હશે.
રાજ્યોની વિધાનસભામાં પણ સમાન નીતિ લાગુ થશે. દેશના જુદા-જુદા રાજ્યોની ધારાસભામાં મહિલાઓ માટે અનામત બેઠકોની સંખ્યા 2041 થશે.
દેશમાં 2029માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આ નવી નીતિ લાગૂ થશે. મોદી સરકારના આ નિણયને ક્રાંતિકારી અને મહિલા સશક્તિકરણની દિશામાં સુવર્ણયુગ સમાન ગણાવામાં આવે છે.
મોદી સરકારે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ’માસ્ટરપ્લાન’ તૈયાર કર્યો છે. 2029થી લાગુ થનારા આ ઐતિહાસિક નિર્ણય હેઠળ લોકસભામાં બેઠકોની સંખ્યામાં મોટો ઉછાળો આવશે અને મહિલા સાંસદોની સંખ્યા સીધી ત્રણ ગણી થઈ શકે છે.
આ પ્રસ્તાવની સૌથી મોટી અસર લોકસભાના માળખા પર પડશે. નવા બિલ મુજબ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન પંચની સ્થાપના કરવામાં આવશે. જેના પરિણામે લોકસભાની કુલ બેઠકોની સંખ્યા હાલની 543થી વધીને 816 થઈ જશે. જોકે, વર્તમાન બેઠકોની ભૌગોલિક સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ નવી બેઠકો ઉમેરવામાં આવશે. આ વ્યવસ્થા 2029ની સામાન્ય ચૂંટણીઓ 2029 થી લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ નિર્ણયને ’વુમન લેડ ડેવલપમેન્ટ’ના સુવર્ણ યુગની શરૂઆત ગણાવી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં લોકસભામાં માત્ર 74 મહિલા સભ્યો છે, પરંતુ 33% અનામત અને સીમાંકન બાદ આ સંખ્યા વધીને 269 થશે. તેવી જ રીતે, રાજ્ય વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 390થી વધીને 2,041 સુધી પહોંચશે, જે નીતિનિર્માણને વધુ સર્વસમાવેશક બનાવશે.
બીજી તરફ, આ બિલને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ આ પહેલનું સ્વાગત તો કર્યું છે, પરંતુ સાથે જ દલિત અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ ક્વોટાની માંગ કરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ક્ોટા વિના માત્ર સંપન્ન અને શિક્ષિત વર્ગની મહિલાઓ જ આગળ આવશે, જ્યારે પછાત વર્ગની મહિલાઓ હજુ પણ હાંસિયામાં રહેશે.

રિલેટેડ ન્યૂઝ