રાયોટીંગની કલમ હેઠળ કૌટુંબીક ભાઈઓ સામે નોંધાયો ગુનો
લોધિકામાં મજુરને કામે લઈ જવા બાબતે પ્રૌઢને કૌટુંબિક ભાઈ સહિત પાંચ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ પ્રૌઢના ઘર પાસે રહેલ તેમની ત્રણ ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા. જે અંગે આધેડે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે લોધિકામાં વાજાવાસમાં બાપા સીતારામ મંદિર પાસે રહેતા કાનાભાઈ ઉર્ફે કાનજીભાઈ ખેતાભાઇ ચૌહાણ (ઉ.વ. 45) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના કુટુંબી ભાઈ બાલા કરસન ચૌહાણ, મુકેશ કરસન ચૌહાણ, મુન્નો કરસન ચૌહાણ, કિશન અશોક ચૌહાણ અને રવિ અશોક ચૌહાણ (રહે.તમામ લોધિકા) ના નામ આપી જણાવ્યું હતું કે, તે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગઇ તા.7 ના રાત્રીના સમયે તે વાજાવાસની પાછળ ડંકીએ ઉભા હતા ત્યારે ત્યાં સનુડો નામના યુવાન સાથે મજુર હક્કા ધારશી બાબતે વાતચીત કરતા હતા.
દરમિયાન કુટુંબી ભાઈ બાલો આવ્યો અને કહેવા લાગ્યો હતો કે, તું હકાને હવે મજૂરીકામે લઈ જતો નહીં અને જો લઈ જઈશ તો સારાવટ નહીં રહે જેથી પ્રોઢે કહ્યું હતું કે, તે મારી સાથે મજૂરી આવશે તો હું તેને લઈ જઈશ આ સાંભળી બાલાએ ઉશ્કેરાઇ કહ્યું હતું કે, હવે તું જો હમણાં પાછો આવું છું. થોડીવાર બાદ આરોપીઓ એકસંપ કરીને આવ્યા હતા અને ફરિયાદીને કહેતા હતા કે, હવે કે હું હકા ધારસીને લઈ જઈશ તેમ કેહ કહી ગાળો આપી ઉશ્કેરાય હવે તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી ધમકી આપતા હતા. આધેડ ડરી ભાગીને અહીં કાકા કરશનભાઈના ઘરે ચાલ્યા ગયા હતા અને આ બાબતે વાત કરી હતી.બાદમાં તે પોતાના ઘરે જતા રહ્યા હતાં.
રાત્રીના ઘર પાસે કંઈક તોડફોડનો અવાજ આવતા તેમણે પોતાની અગાસી પરથી જોતા ઘરની પાછળ આવેલ બાપા સીતારામ મંદિર પાસે બાલો લોખંડના સળિયા વડે ગાડીઓના કાચ તોડતો હતો. જેમાં પ્રૌઢની ત્રણ ગાડી જેમાં ઇકો નં.જીજે 3 કેપી 5180, બોલેરો નં. જીજે3 બીઝેડ 7536 અને કેરી ગાડી નંબર જીજે 3 સીયુ 5043 હોય જેના કાચ આ બાલાએ પાઇપ વડે તોડી નાખ્યા હતા. જેથી આ અંગે પ્રોઢે પાંચેય શખસો વિરુદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પાંચેય આરોપીઓને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
