અમદાવાદ-મહેસાણા જેલ હવાલે કરતી ક્રાઈમ બ્રાન્ચ
આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ રીઢા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચનાને લઇ ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીની પાસા હેઠળ અટકાયત કરી હતી. જેમાં રીક્ષા ગેંગના બે શખ્સોને અમદાવાદ અને મહેસાણા જેલહવાલે અને રીઢા બાઇક ચોરને પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે કરી કાર્યઈ હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રીઢા ગુનેગારો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અગાઉ રિક્ષામાં પેસેન્જર તરીકે વૃદ્ધ, મહિલા અને પુરુષોને બેસાડી રોકડ અને મત્તાની તફડંચી કરનાર અલ્પેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ સોલંકી (ઉ.વ.23 રહે. રાજુલા) અને રોહિત ઉર્ફે પાગો ધીરુભાઈ માળી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્ત પર પોલીસ કમિશનરએ મંજૂરી આપતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી બંને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ અને મહેસાણા જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે. આરોપી અલ્પેશ સામે પાલનપુર, જામનગર, જુનાગઢ, રાજકોટના એ ડિવિઝન, માલવિયાનગર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે રોહિત સામે રાજકોટના માલવિયાનગર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાહન ચોરીના ગુનામાં એકથી વધુ વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા રાહુલ ધીરૂભાઈ પરમાર(ઉ.વ. 22 રહે. આજીડેમ ચોકડી માંડા ડુંગર, ગોકુલ પાર્ક) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
