જામનગરમાં મતદાન જાગૃતિ માટે હાઇટેક પ્રયાસ

સોશિયલ મીડીયામાં વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફલુએન્સર્સ સાથે કલેકટરની મિટિંગ, જનજાગૃતિ માટે રિલ્સ બનાવી વધુમાં વધુ સેર કરવા અનુરોધ

કચરાગાડી (ટીપરવાન)માં મતદાન માટે પ્રોત્સાહીત કરાતા ગીત વગાડવાનું ચાલુ કરાયું વીજબીલ સાથે મતદાન જાગૃતી માટેની પત્રિકાઓ પણ ડોર ટુ ડોર પહોંચાડવા પ્રયાસ

આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-2026 અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા.26 એપ્રિલે જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટેનું મતદાન યોજાનાર છે. જેને લઇને મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યા.એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે વિશેષ બેઠક યોજી હતી. ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને યુવાનો તેમજ શહેરી મતદારો સુધી સરળતાથી પહોંચવા માટે ડીજીટલ માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત જનજાગૃતિના અનેકવિધ આયોજન પણ થયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી.એ ઇન્ફ્લુએન્સર્સને અપીલ કરી હતી કે, તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મતદાન અંગે સકારાત્મક અને પ્રેરણાત્મક સંદેશો પ્રસારિત કરે. ખાસ કરીને મહિલાઓ, પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં જાગૃતિ વધારવા, મતદાન પ્રત્યે લોકોમાં ઉત્સાહ જાગૃત કરવા અને મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવા જણાવ્યું હતું.
ઇન્ફ્લુએન્સર્સને ટૂંકા વીડિયો, રીલ્સ, પોસ્ટ્સ અને સ્ટોરીઝ મારફતે મતદાન કરવા અંગેના મહત્વના વિડીઓ પોસ્ટ કરી વ્યાપક સ્તર સુધી પહોચે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ મતદાન દિવસ અંગે માહિતી, મતદાન કેન્દ્રોની વિગતો અને મતદારો માટેની માર્ગદર્શિકા સરળ ભાષામાં રજૂ કરવા પણ સૂચન કર્યું હતું.
ટીપરવાન (કચરાગાડી)માં ગીત વગાડી દ્વારા મતદાન જાગૃતિની પહેલ કરાઈ
જામનગર કોર્પોરેશન વિસ્તારમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતા વાહનોમાં મતદાન જાગૃતિનું ગીત વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં ફરતી વેસ્ટ કલેક્શનની ગાડીઓમાં મતદાન જાગૃતિ ગીતો વગાડવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાર સુધી સરળ અને અસરકારક રીતે મતદાનનો સંદેશ પહોંચાડવાનો છે.

કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિનો સંદેશ આપતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ મતદાન કરવા પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી તંત્ર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લા સેવા સદન ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ એક્ટિવિટી હેઠળ આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી દ્વારા મારો મત મારી શક્તિ સંદેશ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા તમામ મતદારોને આવનારી ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીને વધુ મજબૂત બનાવી શકાય.

જામનગર જિલ્લામાં કુલ 2137 EVMના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ
જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે કુલ 23 ચૂંટણી અધિકારી ઓને 2137 ઈ.વી.એમ. ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા 100% પૂર્ણ કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 474 ઈવીએમ પૈકી વોર્ડ નં.1 થી 4માં 112 ઈવીએમ, વોર્ડ નં.5 થી 8માં 115 ઈવીએમ, વોર્ડ નં.9 થી 12માં 126 ઈવીએમ, વોર્ડ નં.13 થી 16માં 121 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.1થી7માં 31 ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા પંચાયત માટે 808 અને તાલુકા પંચાયતો માટે ફાળવવામાં આવેલ 824 ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા 100% પૂર્ણ થઇ છે.

રિલેટેડ ન્યૂઝ