કાળઝાળ ગરમી સામે હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ સ્થાપવા કેન્દ્રનો આદેશ

કેન્દ્ર સરકારની તમામ રાજ્યો માટે એડવાઇઝરી: શ્રમિક-કામદારો માટે કામનો સમય બદલાવવા, આરામ-ઠંડક આપતી સગવડો ઉભી કરવા સહિત ચાર મુદ્ાની સુચના

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી સાથે હીટવેવની હાલત સર્જાઇ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરીને ચાર પ્રકારની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા, શ્રમિકોના કામકાજના કલાકો રીશિડ્યુલ કરવા સહિતના પગલા સુચવવામાં આવ્યા છે.
કેન્દ્રીય શ્રમ અને આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. ખુલ્લામાં તથા ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે ‘ઠંડક’ આપતા કદમ ઉઠાવવા તથા પર્યાપ્ત આરામ આપવા સુચવ્યું છે. કામના કલાકોમાં બદલાવ કરવા તથા કામગીરી વિભાજીત કરવા માટે તથા યોગ્ય આરામ આપવા માટે સંખ્યાબળ વધારવા માટે તાકિદ કરવામાં આવી છે. ખાસ કરીને કારખાનામાં કામ કરતા શ્રમિકો અને ખાણ તથા બાંધકામ કામદારો માટે વિશેષ પગલા લેવા સૂચવ્યું છે. બપોરે 1 થી 4માં સૂર્યતાપ આકરો હોય છે જ્યારે બ્રેક આપવા પણ સૂચવાયું છે. શ્રમ સચિવ વંદના ગુરનાનીએ કહ્યું કે હવામાન વિભાગે એપ્રિલથી જુન તાપમાન નોર્મલથી ઉંચુ રહેવાની તથા હીટવેવના દિવસો વધવાની આગાહી કરી છે. આ પ્રકારના હવામાનમાં સૌથી વધુ પ્રભાવિત કામદારો-શ્રમિકો થાય છે અને તેમના રક્ષણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉતર પશ્ર્ચિમ તથા મધ્ય ભારતમાં આવતા થોડા દિવસો હીટવેવ જેવી હાલતનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ચાર કદમ સુચવવામાં આવ્યા છે. તેમાં હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ શરૂ કરવા કહેવાયું છે. તમામ આરોગ્ય કેન્દ્રો પર આ પ્રકારના યુનિટ ઉભા કરવાના થશે. આ ઉપરાંત પર્યાપ્ત સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ રહે તે જોવાની તાકિદ કરી છે. લોકોને સ્વસ્થ્ય સંબંધી આગોતરી માહિતી-આગમચેતીના પગલા તથા હીટ સ્ટ્રોકના કેસોની વિગતો કોમન હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પર મુકવા કહેવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત સહિતના રાજ્યો ભીષણ ગરમીની લપેટમાં છે અને તાપમાનનો પારો 41 થી 47 ડીગ્રીની રેન્જમાં છે. પાટનગર દિલ્હીમાં જનજીવન પ્રભાવિત છે. બપોરના સમયે કુદરતી કરફ્યુનું વાતાવરણ સર્જાય છે. વેપાર-ધંધાને કરોડો રૂપિયાનું નુકશાન છે.

રિલેટેડ ન્યૂઝ