કોઠારીયામાં રણુજા મંદિર પાસે હંસરાજનગર કનૈયા ચોકમાં ભાડાના મકાનમાં ગેસનો બાટલો ફાટતાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ત્યાં રહેતાં પરપ્રાંતીય પરિવારના પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં સારવારમાં રહેલ એક યુવાનનું આજે મોત થતાં માતમ છવાઈ ગયો છે. એક યુવાન કામેથી આવ્યા બાદ રસોડામાં રસોઈ કરવા ગયો ત્યારે એકાએક ધડાકા સાથે ગેસનો બાટલો ફાટયો હતો અને આગ લાગી ગઈ હતી. જેમાં આ યુવાન તથા બીજા ત્રણ યુવાન અને એક પરિણીતા મળી પાંચ લોકો દાઝી ગયા હતાં.
પ્રાપ્ત મુજબ રણુજા મંદિર પાસે કનૈયા ચોકમાં ભાડાના મકાનમાં રહી લાદી કામની મજુરી કરતાં મુળ ઉત્તર પ્રદેશના ગાજીપુરના યુવાનો રવિવારે સાંજે ઘરે આવ્યા બાદ એક યુવાન રસોડામાં રસોઇ કરવા ગયો ત્યારે ગેસનો બાટલો ફાટતાં આગ ભભુકી ઉઠતાં નાસભાગ મચી ગઈ હતી. આ આગમાં સતંદર ટેકબહાદુર ચૌહાણ (ઉ.વ.26), પરવેઝ જયપ્રકાશ ચૌહાણ (ઉ.વ.26), તેનો ભાઈ વિશાલ જયપ્રકાશ ચૌહાણ (ઉ.વ.23), શિવમ વિજયકુમાર ચૌહાણ (ઉ.વ.23) અને રીમા નિતેશભાઈ પનોજીયા (ઉ.વ.23) ગંભીર રીતે દાઝી જતાં પાંચેયને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
સારવાર દરમિયાન આજે પરવેઝ ચૌહાણનું કરૂણ મોત થયું છે. તે અપરિણીત હતો અને બે ભાઈમાં મોટો હતો. તેનો ભાઈ વિશાલ સહિતના ચાર સારવાર હેઠળ છે. મૃતક તેના ભાઈ સહિતની સાથે લાદી કામની મજૂરી કરતો હતો. આ બનાવથી પરપ્રાંતીય પરિવારજનોમાં કલ્પાંત છવાયો હતો.
