સુરેન્દ્રનગર-અમરેલી 44.5, રાજકોટ 43.7 ડિગ્રીએ ધખ્યા 15મીથી પ્રિ-મોનસુન એક્ટિવીટીનો પ્રારંભ : કચ્છ-સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમીનું યલો એલર્ટ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 12
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના શહેરો હીટવેવની ઝપેટમાં આવ્યા છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ પંથકમાં તા. 15 સુધી ગરમીનું યેલો એલર્ટ હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રીએ ભીષણ ગરમીમાં ધખ્યા હતાં જ્યારે રાજકોટમાં 43.7, કંડલા 44 ડિગ્રીએ અગનભઠ્ઠીમાં ફેરવાયા હતાં.
રાજ્યમાં મંગળવારે પડેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. અતિશય ગરમીના કારણે રાજ્યના મોટાભાગના શહેરોના રસ્તાઓ બપોરના સમયે સુમસામ થઈ ગયા હતાં. આવી જ સ્થિતિ હજુ આખુ અઠવાડિયું ચાલશે. જેથી તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મે મહિનામાં સુર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી રહ્યો છે. સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. પશ્ર્ચિમ પવનોના કારણે ગુજરાતીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમી પડશે. જ્યારે બનાસકાંઠા, ગાંધીનગર, સુરત અને અમદાવાદમાં યેલો એલર્ટની ચેતવણી અપાઈ છે.
આ ઉપરાંત પાટણ, આણંદ અને વડોદરામાં હીટવેવની અસર જોવા મળી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, તા. 14-15 મે સુધી આકરી ગરમીનું ટોર્ચર રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી અગનગોળા વરશશે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજયુક્ત ગરમ વાતાવરણ રહેવાની શક્યતા છે. તા. 18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બંને સિસ્ટમ સક્રિય થશે 24 મેથી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ભેજ વધતા પવનની દિશા બદલાશે. 8 જૂન બાદ અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ આકાર લઈ શકે છે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે. ચોમાસુ બેસતા પૂર્વ તા. 12થી 20 દરમિયાન રાજ્યમાં ધુળની ડમરી અને આંધી-વંટોળ આવવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છણાં મંગળવારે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાનનો પારો 44.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે કંડલામાં 43, રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા રસ્તાઓ સુમસામ બન્યા હતાં. મંગળવારે શહેરીજનોએ સવારથી અસહ્ય બફારો અને ઉકળાટનો અહેસાસ કર્યો હતો.
બાબરામાં કાળઝાળ ગરમી દિવસેને દિવસે વધી રહી છે. શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા હતા અને લોકો અત્યંત જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના પ્રકોપને કારણે નાના વેપારીઓ, મજૂરો અને દૈનિક કામદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય બજારોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી અવરજવર જોવા મળી હતી. ગરમ પવનો અને તાપમાન વધતા લોકો ઠંડા પીણાં, છાશ, લીંબુ પાણી અને આઈસ્ક્રીમ તરફ વધુ વળતા જોવા મળ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ