નવા અધિનિયમથી મજુરોને કોઈ પરેશાની નહી થાય: સરકાર વીબી-જી રામ જી કાયદો 1 જુલાઈથી લાગુ, મનરેગા થશે સમાપ્ત

નવા અધિનિયમમાં વર્ષમાં 125 દિવસ માટે ગેરંટીયુક્ત મજુરી-રોજગારનો અધિકાર મળશે, જે મનરેગામાં 100 દિવસનો હતો: વેતન, ફરિયાદ નિવારણનો મુસદ્દો હાલ તૈયાર થઈ રહ્યો છે, જે ટુંક સમયમાં જાહેર થશે

મનરેગા રદ કરવા સામે વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી

પબ્લિસિટી માટે સરકારની આ કવાયત છે: કોંગ્રેસ

કેન્દ્ર સરકારે આ કાયદાને આગામી પેઢીના ગ્રામીણ વિકાસ માળખાના રૂપમાં રજુ કર્યો છે. જો કે વિપક્ષી પાર્ટીઓ અને શ્રમ અધિકાર કાર્યકર્તાઓએ મનરેગાને રદ કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે મનરેગાના સ્થાને લાવવામાં આવેલ ‘વિકસિત ભારત-જી રામ જી અધિનિયમ’ને લાગુ કરવાની જાહેરાતને પબ્લિસીટીની કવાયત કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે આ જાહેરાત કેન્દ્ર દ્વારા સમાચારમાં રહેવાની કવાયત છે કે જેઓ આવા પ્રકારની કવાયતોમાં માહેર છે.

કેન્દ્ર સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે વિકસીત ભારત-રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (વીબી-જી રામ જી) અધિનિયમ 1 જુલાઈથી પુરા દેશમાં લાગુ થઈ જશે. એની સાથે જ બે દાયકા જૂનો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ખતમ થઈ જશે.
સરકારે જણાવ્યું હતું કે નવા અધિનિયમમાં એક નવું માળખુ હશે જે ગ્રામીણ પરિવારોને 125 દિવસની કાયદેસર મજુરી વાળા રોજગારની ગેરંટી આપે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં તેને ભારતની ગ્રામીણ વિકાસ સંરચનામાં ઐતિહાસિક પરિવર્તન કહ્યું છે. મંત્રાલય દ્વારા જાહેર અધિસૂચના અનુસાર આ અધિનિયમ 1 જુલાઈથી બધા રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં લાગુ થઈ જશે અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એ દિવસે સમાપ્ત થઈ જશે.
સમય સીમામાં મળશે રોજગાર: રોજગાર નિર્ધારિત સમયસીમામાં ઉપલબ્ધ કરાવવા પડશે, આમ ન કરવાથી શ્રમિક અધિનિયમની જોગવાઈઓ મુજબ બેરોજગારી ભથ્થાનો પાત્ર બનશે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 2026-27 માટે ફાળવાયેલા 95,692.31 કરોડ રૂપિયા ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીનું સૌથી મોટા બજેટ અનુમાન ફાળવણી છે. રાજયોના સંભવિત યોગદાનને સામેલ કરતા કાર્યક્રમનો કુલ વ્યય 1.51 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાની આશા છે.
નવા માળખામાં ફેરફારથી શ્રમિકોને કોઈ પરેશાની નથી: અધિસૂચનામાં મંત્રાલયે આશ્ર્વાસન આપ્યું છે કે મનરેગાના નવા માળખામાં ફેરફારના કારણે શ્રમિકોને કોઈ પરેશાની નહીં થાય. 30 જૂન સુધી મનરેગા અંતર્ગત ચાલી રહેલા કામ સુરક્ષિત રહેશે, તે કોઈ વિધ્ન વગર નવા માળખામાં સ્થળાંતરિત થઈ જશે. હાલના ઈ-કેવાયસી વેરિફાઈડ મનરેગા જોબ કાર્ડ નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ ઈશ્યુ થવા સુધી માન્ય રહેશે. જોબકાર્ડ વિના શ્રમિક ગ્રામ પંચાયત સ્તર પર રજીસ્ટ્રેશન કરાવવું ચાલુ રાખી શકે છે. પેન્ડીંગ ઈ-કેવાયસીના કારણે શ્રમિકોને રોજગારથી વંચિત નહીં કરવામાં આવે.
વેતન, ફરિયાદ નિવારણનો મુસદ્દો તૈયાર થઈ રહ્યો છે: મંત્રાલયે કહ્યું હતું કે વેતન ચુકવણુ, ફરિયાદ નિવારણ, ફાળવણીના નિયમો અને સંક્રમણકાલીન જોગવાઈઓ સંબંધીત નિયમોનો મુસદ્દો રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના પરામર્શથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં જ જાહેર પરામર્શ માટે પ્રકાશિત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ