કેસરિયા રોડ-લખતર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ગેટ સંખ્યા 24 પર ગર્ડરનું ડી-લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
મુસાફરોની સુરક્ષા, સુગમ રેલ સંચાલન તથા આધુનિક રેલ માળખાને વેગ આપવાની દિશામાં રાજકોટ રેલ ડિવિઝને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેની ફાટક મુક્ત ગુજરાત નીતિ અંતર્ગત રાજકોટ ડિવિઝનના કેસરિયા રોડ-લખતર રેલખંડ સ્થિત લેવલ ક્રોસિંગ ગેટ સંખ્યા 24 પર 24 મે, 2026ના રોજ ગર્ડર ડી-લોન્ચિંગનું કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કાર્યને પૂર્ણ કરવા માટે 3 કલાક 30 મિનિટનો બ્લોક લેવામાં આવ્યો હતો, જે દરમિયાન અત્યાધુનિક મશીનરી તેમજ સંસાધનોનો ઉપયોગ કરીને કાર્યને સુરક્ષિત અને સમયબદ્ધ રીતે પૂરું કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં રેલવે અને કોન્ટ્રાક્ટરના આશરે 50 કર્મચારીઓ નું યોગદાન રહ્યું હતું, જેમણે 2 પોકલેન્ડ મશીનો તથા 2 ભારે ક્ષમતાવાળી ક્રેનની મદદથી કાર્ય કર્યું હતું.
આ લેવલ ક્રોસિંગ ગેટ બંધ કરીને અહીં લિમિટેડ હાઇટ સબ-વે (કઇંજ) નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી રોડ અને રેલ વાહનવ્યવહાર બંનેને મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા માર્ગ વપરાશકર્તાઓને વારંવાર ફાટક બંધ થવાને કારણે થતી પરેશાનીમાંથી મુક્તિ મળશે.
આ લિમિટેડ હાઇટ સબ-વેના નિર્માણથી અકસ્માતોની શક્યતામાં ઘટાડો થશે, ટ્રેનોનું સંચાલન વધુ સુચારુ બનશે, માર્ગ વાહનવ્યવહારમાં થતો વિલંબ ઘટશે તથા રેલવેના ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ ખર્ચમાં પણ ઘટાડો થશે. આ વ્યવસ્થા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને નાના વાહનો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝન દ્વારા સતત આધુનિક ટેકનોલોજી અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી મુસાફરો અને ગ્રાહકોને વધુ સારી, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડી શકાય. અત્યંત ટૂંકા સમયમાં આ પડકારજનક કાર્યનું સફળ અમલીકરણ એ રાજકોટ ડિવિઝનની તકનીકી ક્ષમતા, કાર્યક્ષમ આયોજન અને સમર્પિત કાર્યસંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સિદ્ધિ ‘ફાટક મુક્ત ગુજરાત’ અભિયાનને નવી ગતિ પ્રદાન કરશે.
