જામજોધપુરના શેઠવડાળા પોલીસ મથકના વિસ્તારમાં ખનીજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા

લાઈમ સ્ટોન, ડમ્પર સહિત રૂ. 75 લાખનો મુદામાલ જપ્ત કરાયો

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજના વહન સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પર ઝડપી પાડી કુલ રૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ સરકારી ખનીજ સંપત્તિની ચોરી અને બિનઅધિકૃત ખનન સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાતમીદારો ની મદદથી સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારના ભોજાબેડી ગામ તરફ જતાં માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એક ડમ્પરમાંથી 23.15 મેટ્રિક ટન , બીજા ડમ્પર માંથી 25.12 મેટ્રિક ટન તથા ત્રીજા ડમ્પર માંથી 22.99 મેટ્રિક ટન લાઇમ સ્ટોન બિનઅધિકૃત વહન થતું હોવાનું સામે આવ્યું હતું.
ત્રણેય ડમ્પરોની કિંમત અંદાજે રૂ. 25 લાખ પ્રમાણે કુલ રૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલિયા અને સ્ટાફે . જપ્ત કરાયેલ મુદ્દામાલ તથા વાહનોને આગળની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાંદોડધામ મચી જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ