રાજૂલા એસટી ડેપો રામ ભરોસે : સમયસર બસ નહી, પાણી બંધ : મોડેલ ડેપો કાગળ પર

રાજૂલા-જૂનાગઢ બસ શરૂ કર્યા બાદ બંધ કરી દેવાઈ, વિભાગીય નિયામક સ્થળ પર આવીને રજૂઆત કરે

અમરેલી જિલ્લાના રાજુલા એસટી ડેપોના વહીવટ સામે મુસાફરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ છે. એસટી નિગમ મુસાફર સુવિધા માટે નવા પ્લાન બનાવી રહ્યું હોય ત્યારે રાજુલા ડેપોમાં સમયસર બસ ન ચાલવી, રૂટ બંધ થવા અને પાયાની સુવિધાનો અભાવ લોકોને હેરાન કરી રહ્યો છે. “મોડલ ડેપો માત્ર કાગળ પર” એવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે.
આજે તા. 31.05.2026ના રોજ વહેલી સવારે 4:55 કલાકે રાજુલાથી ભાવનગર જતી બસ 6:10 કલાકે ઉપડી હતી. ચાર વાગ્યે ઉઠીને સ્ટેન્ડે પહોંચેલા મુસાફરોને દોઢ કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી. આ જ સમયે 6:10ની કોવાયા-મહેસાણા બસ આવી પણ જગ્યા ન મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. મુસાફરો દ્વારા ડેપો મેનેજરને ટેલિફોનિક જાણ કરવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે.
રાજુલા-જુનાગઢ બસ શરૂ કર્યા બાદ બંધ કરી દેવાઈ છે. બપોરે 2:00 કલાકે ઉપડતી રાજુલા-રાજકોટ બસ પણ અવારનવાર કેન્સલ થાય છે. ગ્રામ્ય વિસ્તારના એભલવડ-પીસડી રૂટ છેલ્લા ઘણા સમયથી શરૂ જ થતો નથી.
જગાભાઈ, એભલવડના માજી સરપંચ કરે છે “અમારા આસપાસના એભલવડ-પીસડી રૂટ બંધ કરી દીધો છે, શરૂ જ કરવામાં આવતો નથી. હવે રસ્તો પણ ડામર થઈ ગયો છે. એસટી ન હોવાથી અમારા ગામના 50% બાળકોએ હવે શિક્ષણ પણ છોડી દીધું છે.”
ભાવેશભાઈ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદના કહે છે.”રાજુલા ડેપોના વહીવટને ગ્રહણ લાગ્યું છે. ઉનાળામાં ઠંડા પાણીનું પરબ બંધ હાલતમાં છે. જો રાજુલા એસટી ડેપોનો વહીવટ હવે સુધારવામાં નહીં આવે તો ના છૂટકે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની ફરજ પડશે.”
દેવજીભાઈ બાંભણિયા કહે છે. “રાત્રિના લેટરીંગ બંધ કરી દેવામાં આવે છે અને સફાઈ પણ સારી રીતે થતી નથી. રાત્રે 10 વાગ્યા પછી 120 ગામોના મુસાફરો આવે છે અને ટોયલેટને તાળું મારી દેવામાં આવે છે. સ્ત્રીઓ અને વૃદ્ધોને પરેશાન થવું પડે છે અને આજુબાજુમાં કોઈ વ્યવસ્થા છે નહીં.”
બકુલભાઈ, માજી ચેમ્બર પ્રમુખ કહે છે. “અહીં આઉટ ડેપોની પાલનપુર, તાલાળા અને ક્રૂડ બીજા ડેપો દ્વારા કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક લેવલે થી હજી સુધી કોઈ લોંગ રૂટ ડાકોર, અંબાજી, મુંબઈ કે સુરત આવા કોઈ રૂટ નવા શરૂ કરતા નથી. ચિરાગભાઈ જોશી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કહે છે. “અહીં છ મહિનામાં 10 જેટલી નવી બસોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા. પરંતુ કેવા ઉદ્ઘાટન? જૂની બસ હોય એ કાઢી નાખવાની, નવી મૂકવાની. પણ નવો રૂટ શરૂ થતો નથી. ડેપો મેનેજર વિભાગીય નિયામકને રજૂઆત જ કરતા નથી કે સાહેબ એક પણ નવો લોંગ રૂટ આ વિસ્તારમાં નથી, તો નવો ફાળવો.
મુસાફરોનો આક્ષેપ છે કે કંટ્રોલ પોઇન્ટનો ફોન ખરાબ હોવાથી અવાજ સ્પષ્ટ સંભળાતો નથી, જેના કારણે ઘર્ષણ થાય છે. શનિ-રવિમાં સ્ટાફ ગેરહાજર રહે છે અને “સોમવારે આવજો” એવો જવાબ મળે છે. રાજુલા-જાફરાબાદના 120 ગામના મુસાફરોએ માંગ કરી છે કે એસટીના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર અને વિભાગીય નિયામક સ્થળ પર આવીને તપાસ કરે. વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે બંધ રૂટ તાત્કાલિક શરૂ કરવા પણ રજૂઆત થઈ છે.

રિલેટેડ ન્યૂઝ