ચશ્મા વિના અખબાર વાંચન: જોરદાર યાદશક્તિ
આજના આધુનિક યુગમાં જ્યાં 60 થી 70 વર્ષની ઉંમરે લોકો નાની-મોટી બીમારીઓથી ઘેરાઈ જતા હોય છે, ત્યારે ભાવનગર શહેરમાંથી 115 વર્ષના એક માજીએ દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનનો અનોખો દાખલો બેસાડ્યો છે. ભાવનગરના સુભાષનગર નેચરલ પાર્ક વિસ્તારમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણી 115 વર્ષની જૈફ વયે પણ અત્યંત સક્રિય, તંદુરસ્ત અને પ્રેરણારૂપ જીવન જીવી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ પોતાના પરિવારની પાંચ-પાંચ પેઢીઓનો સંગમ જોઈ ચૂક્યા છે અને હાલ ચોથી તથા પાંચમી પેઢીના બાળકો સાથે સમય વિતાવી રહ્યા છે.
જેકુરબેનના પૌત્રવધુ શ્રીમતી અલ્પાબેન મનીષભાઈ હિરાણી (બ્યુટી પોઇન્ટ)ના જણાવ્યા અનુસાર, 115 વર્ષની આ ઉંમરે પણ માજીની આંખોની રોશની અકબંધ છે. તેઓ આજે પણ કોઈપણ જાતના ચશ્માના સહારા વગર રોજ સવારે નિયમિત રીતે અખબાર વાંચે છે. આ ઉંમરે સામાન્ય રીતે લોકો અલ્ઝાઈમર કે વિસ્મૃતિનો ભોગ બનતા હોય છે, જ્યારે જેકુરબેનની યાદશક્તિ આજે પણ એટલી જ તીવ્ર અને સારી છે કે તેઓ પરિવાર અને સોસાયટીના ભૂતકાળના પ્રસંગો પણ આબેહૂબ યાદ કરી શકે છે.
માત્ર ઘરમાં જ સક્રિય છે એવું નથી, પરંતુ સોસાયટીમાં યોજાતા દરેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ હોંશે-હોંશે ભાગ લે છે. ખાસ કરીને નવરાત્રી જેવા પાવન પર્વમાં સોસાયટીના ચોકમાં આવીને આસો માસના ગરબા નિહાળે છે અને યુવા પેઢીને પ્રોત્સાહિત કરે છે. તેમનો આ અખૂટ ઉત્સાહ સોસાયટીના અન્ય રહીશો અને યુવાનો માટે ભારે પ્રેરણારૂપ બની રહ્યો છે. જેકુરબેન હિરાણીએ તેમના જીવનકાળ દરમિયાન પાંચ-પાંચ પેઢીઓ સાથે રહીને સુખમય જિંદગીની સફર ખેડી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા અને સ્નેહીજનોમાં વાયરલ થયેલી એક ભાવુક તસવીરમાં જેકુરબેનના પુત્ર નટુભાઈના પુત્ર મનીષભાઈ, અને મનીષભાઈની દીકરી બંસીબેનના પુત્ર રુદ્ર (ચોથી/પાંચમી પેઢી) સાથે માજી દ્રશ્યમાન થાય છે. પોતાના જ વંશના માસૂમ બાળક ’રુદ્ર’ને રમાડતા 115 વર્ષના પરદાદીની આ તસવીર ભારતીય સંયુક્ત પરિવારની પરંપરા અને પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.115 વર્ષની ઉંમરે પણ પરિવાર અને સમાજ માટે વટવૃક્ષ સમાન બનેલા પૂજ્ય જેકુરબેન હિરાણીની આ દીર્ઘાયુ સફરને સ્નેહીજનો દ્વારા ખૂબ-ખૂબ અભિનંદન અને દીર્ઘાયુ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
