ગુજરાતની બે રેન્જનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠાની નવી રેન્જમાં રચના કરાઈ છે. મોરબી જિલ્લાનો હવે રાજકોટમાંથી બાકાત થઈ કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ કરાયો છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને વહીવટી દૃષ્ટિએ વધુ સક્ષમ બનાવવા માટે એક અત્યંત હત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના સત્તાવાર ઠરાવ અનુસાર, રાજ્યની બે હયાત બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી ’બનાસકાંઠા રેન્જ’ ઊભી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી રચાયેલી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ રાજકોટ રેન્જ માંથી મોરબી જીલ્લાને બાકાત કરી મોરબી જીલ્લાનો બોર્ડર રેન્જ કચ્છમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ’બનાસકાંઠા રેન્જ’ નવી રેન્જની રચનાથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારોમાં વહીવટી સુગમતા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર કડક દેખરેખ રાખવા માટે આ ભૌગોલિક પુન:ગઠન અનિવાર્ય બન્યું હતું. લાંબા સમયથી અનુભવાતી ભૌગોલિક વિષમતાઓને દૂર કરવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા આ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અગાઉની બોર્ડર રેન્જ, ભુજ-કચ્છના તાબા હેઠળ પશ્ર્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા એમ ચાર વિશાળ જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર આશરે 550 કિલોમીટર જેટલો અત્યંત વ્યાપક હતો, જેમાં 406.87 કિમી આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને 238 કિમી દરિયાઈ સરહદનો સમાવેશ થાય છે. આટલા વિશાળ અને સંવેદનશીલ સરહદી વિસ્તારના છેવાડાના પોલીસ સ્ટેશનો પર ચુસ્ત નિરીક્ષણ અને નિયંત્રણ રાખવું પોલીસ તંત્ર માટે અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં નવનિર્મિત ‘વાવ-થરાદ’ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. આ તમામ પાસાંઓ અને ભૌગોલિક અંતરને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ રેન્જનું નવું માળખું જાહેર કર્યું છે. નવીન ’બનાસકાંઠા રેન્જ’માં હવે બનાસકાંઠા- પાલનપુર, પાટણ અને નવગઠિત વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
