રાજકોટમાં નોકરે વૃઘ્ધાના ઘરમાંથી 3.ર0 લાખના ઘરેણા ચોર્યા : 3 વીંટી વેચી માર્યાના મેસેજથી કબુલાત

રાજકોટ શહેરના અક્ષરમાર્ગ પર આવેલી ડેલ્ટા હોસ્પિટલની સામે સમર્થટાવરમાં રહેતા એક 83 વર્ષના વયોવૃદ્ધ મહિલા શાંતાબેન ભુપતભાઇ ટીલવાના ઘરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે તેમની પુત્રી શ્રધ્ધાબેન તુષારભાઇ કણસાગરાએ રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, શાંતાબેન ઘરમાં એકલા રહેતા હોવાથી તેમના ઘરકામ માટે રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના ડગાર ગામના વતની રાજુ રતનલાલ મીણા નામના વ્યક્તિને નોકર તરીકે રાખવામાં આવ્યો હતો. આ નોકરે વિશ્ર્વાસઘાત કરીને ઘરમાં રાખેલી લોખંડની તિજોરીના ડ્રોવરમાંથી સોનાના કિંમતી દાગીનાની ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત તારીખ 27 મે 2026 થી 31 મે 2026 દરમિયાન આરોપી રાજુ મીણા રોજ સવારે ઘરકામ કરવા માટે આવતો હતો. તારીખ 31 મેના રોજ તે પોતાનો પગાર લઈને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ 2 જૂન 2026ના રોજ સવારે શાંતાબેને જ્યારે પોતાની લોખંડની તિજોરી તપાસી ત્યારે ડ્રોવરમાં રાખેલી આશરે 22 ગ્રામ વજનની ચાર સોનાની વીંટીઓ (કિંમત રૂૂ. 2,20,000) અને આશરે 10 ગ્રામ વજનની એક જોડી સોનાની કાનની બુટ્ટી (કિંમત રૂૂ. 1,00,000) ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તેમણે તાત્કાલિક ફોન કરીને પોતાની પુત્રી શ્રધ્ધાબેનને જાણ કરી હતી. ઘરમાં આ નોકર સિવાય અન્ય કોઈ વ્યક્તિની અવરજવર ન હોવાથી પરિવારને સીધો શંકાનો દોર રાજુ તરફ ગયો હતો. જ્યારે ફરિયાદી શ્રધ્ધાબેને આરોપી રાજુ મીણાના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. આથી તેમણે રાજુના વોટ્સએપ પર વોઈસ મેસેજ મોકલીને દાગીના પરત આપી દેવા જણાવ્યું હતું. થોડીવાર પછી આરોપી રાજુએ વોટ્સએપ પર વળતો મેસેજ મોકલીને કબૂલાત કરી હતી કે, તેનાથી ભૂલ થઈ ગઈ છે અને તેણે તિજોરીમાંથી ત્રણ વીંટીઓ ચોરી કરીને વેચી દીધી છે. નોકર દ્વારા ગુનાની આ કબૂલાત મળ્યા બાદ પરિવાર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ