ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત: 10 સામે ગુનો નોંધાયો
ઉના-ભાવનગર રોડ પર આવેલી હરભોળે હોટલ નજીક ભૂંડના માલિકી હક્કના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક જ પરિવારના સભ્યો સહિત કુલ 10 શખ્સો સામે ઉના પોલીસમાં ગુનો નોંધાયો છે. હુમલામાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં એકને ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઉનાના વેરાવળ રોડ સ્થિત જી.ઈ.બી. સોસાયટીમાં રહેતા અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા જસબીરસિંહ જીતસિંહ રાઠોડ એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેઓ પોતાના ભાઈ ધરમપાલસિંહ, દીકરા હરમીતસિંહ તેમજ અન્ય સાથીદારો સાથે ઉના-ભાવનગર રોડ પર આવેલી હરભોળે હોટલે હાજર હતા. તે દરમિયાન કેશોદના કાળુસિંહ મહેન્દ્રસિંહ બાવરીનો ફોન આવ્યો હતો અને ભૂંડ લઈ જવાના મુદ્દે બોલાચાલી થઈ હતી.
થોડીવાર બાદ કેશોદથી એક બોલેરો પિકઅપમાં આવેલા મહેન્દ્રસિંહ સુરતસિંહ બાવરી, માન્યાસિંહ ઉર્ફે હરનામસિંહ, બલ્લુસિંહ,હક્કાસિંહ,કાળુસિંહ,દીપસિંહ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ બોલેરોમાંથી લોખંડના પાઇપ કાઢી ફરિયાદી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ માન્યાસિંહ ઉર્ફે હરનામસિંહે ફરિયાદી ના માથા અને પગ પર પાઇપના ઘા માર્યા હતા, જ્યારે કાળુસિંહ અને બલ્લુસિંહે ધરમપાલસિંહને તેમજ હક્કાસિંહે હરમીતસિંહને પાઇપ વડે માર માર્યો હતો. અન્ય આરોપીઓએ પણ ઢીકાપાટુનો માર મારી હુમલામાં સાથ આપ્યો હતો. આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્તોને પ્રથમ ઉના સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદીના માથામાં ગંભીર ઇજા થતાં ટાંકા લેવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉના પોલીસે મહેન્દ્રસિંહ સુરતસિંહ બાવરી, માન્યાસિંહ ઉર્ફે હરનામસિંહ, બલ્લુસિંહ, હક્કાસિંહ, કાળુસિંહ, દીપસિંહ સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે હત્યારોથી હુમલો, ગેરકાયદે મંડળી રચવી, મારામારી અને જાહેરનામાનો ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
