પોરબંદર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના ઉપક્રમે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંકલોન મંજૂરી પત્રોનું થયું વિતરણ
પોરબંદરમાં બેંક લોનના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું
હતું.
પોરબંદર શહેરના જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને બેંક લોન મંજૂરી પત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. રુતુ રાબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળે જણાવ્યું હતું કે ભારત સરકારની પી.એમ. સ્વનિધિ યોજના માત્ર લોન આપતી યોજના નથી, પરંતુ નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનું, તેમના સ્વાભિમાનને મજબૂત બનાવવાનું અને તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનું શક્તિશાળી માધ્યમ છે. તેમણે શેરી ફેરિયાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા, સમયસર હપ્તા ભરી વ્યવસાયને વધુ સુરક્ષિત બનાવવા તેમજ મહાનગરપાલિકા દ્વારા દરેક પાત્ર વ્યક્તિ સુધી યોજનાનો લાભ પહોંચાડવાના સંકલ્પની જાણકારી આપી હતી.
ડી.વાય.એસ.પી. રુતુ રાબાએ ઉપસ્થિતોને વ્યાજખોરીના દુષણથી દૂર રહી સરકારની કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને પી.એમ. સ્વનિધિ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યો હોય તો તે નિર્ભયતાપૂર્વક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે.
કાર્યક્રમ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખરે નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
