આગામી સાત દિવસ હળવાથી ભારે ઝાપટા વરસવાની હવામાન વિભાગની આગાહી
અષાાઢ માસના પ્રારંભે જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ, જુનાગઢ, સોમનાથ, જામનગર જીલ્લામાં મેઘાડંબર વચ્ચે ઝાપટા વરસ્યા હતા. રાજકોટ શહેરમાં બુધવારે સવારે તોફાની પવન સાથે ઝાપટુ વરસતા લોકોને બફારામાંથી આંશિક રાહત મળી હતી.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ રાજયમાં છુટોછવાયો વરસાદી ઝાંપટા વરસશે. રાજકોટ, જામનગર, જુનાગઢ, સોમનાથ, દ્વારકા, તાલાલા, ગીર પંથક, પોરબંદર તથા કચ્છ સહિતના પંથકોમાં ભારે પવન સાથે ઝાંપટા વરસવાની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં રાજકોટ શહેરમાં ભારે પવન સાથે જોરદાર ઝાપટુ વરસ્યું હતું. ઝાંપટાના કારણે શહેરના રસ્તા પરથી પાણી વહેતા થયા હતા.
જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે તેમજ આજે સવારે જુદા જુદા વિચારોમાં ધીમીધારે હળવા ઝાપટા વરસ્યા હતા. કલ્યાણપુર તાલુકામાં ગતરાત્રિના તેમજ આજે સવારના ચઢતા પહોરે ભારે ઝાપટા રૂપે 3 મી.મી. વરસાદ વસી ગયો હતો. આ સાથે ખંભાળિયા વિસ્તારમાં પણ આજે સવારે સાડા પાંચ વાગ્યા આસપાસના સમયે જોરદાર ઝાપટું વરસી જતા શહેરના માર્ગો પાણીથી તરબોળ બન્યા હતા. ભાણવડ પંથકમાં આજે સવારે 2 મી.મી. વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસ દરમિયાન વરાપ સાથે ઉઘાડ બની રહ્યો હતો. મુશળધાર વરસાદની આગાહી આશા ઠગારી નીવડી રહી છે. ત્યારે હવે મેઘરાજા રૂસણા છોડી અને ધોધમાર વરસે તેમ તમામ ધરતીપુત્રો સાથે જિલ્લાની જનતા ઈચ્છી રહી છે.
જૂનાગઢ
જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે કયારેક વાદળા, કયારેક તડકો અને પવન વચ્ચે સંતાકુકકડી રમાતી હોય એવું વાતાવરણ સર્જાયુ હતું.
જૂનાગઢ શહેરમાં મંગળવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈકાલે પણ શહેરમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે આજે સવારે એકાએક જોરદાર વરસાદી ઝાપટું આવી જતા, સોરઠવાસીઓમાં આગામી દિવસોમાં સારા વરસાદની આશા તરોતાજા થઈ છે. બીજી બાજુ પ્રથમ સારા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કાર્ય શરુ કર્યા બાદ, મોટા ભાગના ખેડૂતોએ વાવણી પૂરી કરી લીધી છે અને ધરતીપુત્રો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.
માળીયા હાટીના
માળીયા હાટીનામાં સવારથી જ વાદળીયુ વાતાવરણ છે. બાર દિવસના વિરામ બાદ માળીયા હાટીનામાં સાંજે 7 વાગે વરસાદ આવ્યો છે. જો કે રોડ રસ્તા ભીના થયા હતા.
