લાઠીના માલવિયા પીપરીયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં બાળકી તણાઈ ગઈ

બાળકીની શોધખોળ છતાં ભાળ નથી મળી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામ નજીક આજે સવારના સમયે દુ:ખદ ઘટના સર્જાઈ હતી. અચાનક વરસાદના પાણીના વોકળામાં પાણીનો પ્રવાહ વધી જતાં ત્રણ વર્ષની માસૂમ બાળકી ધસમસતા પાણીમાં તણાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક સ્થળ પર દોડી આવી બાળકીની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.
અમરેલીના લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામ નજીક ખેત મજૂરી કરતા પરિવારની નંદની નામની ત્રણ વર્ષની માસૂમ બાળકી પાણીના વોકળા પાસે હતી. તે દરમિયાન અચાનક ઉપરવાસમાંથી પાણીનો જોરદાર પ્રવાહ આવતાં બાળકી ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ, ફાયર વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસનની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બપોરથી સતત રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. પાણીના તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કલાકો વીતી જવા છતાં બાળકીની કોઈ ભાળ મળી નથી. ઘટનાને પગલે ખેત મજૂર પરિવારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા છે. તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ઉતરી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને બાળકીને શોધવા માટે રેસ્ક્યુ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. સમગ્ર પંથકમાં આ દુ:ખદ ઘટનાને લઈ શોકની લાગણી વ્યાપી છે.

રિલેટેડ ન્યૂઝ