અગત્યના દસ્તાવેજ સહિત રોકડ મળી આવતા માલિકને શોધીને સોંપ્યુ
પોરબંદર ટ્રાફિક બ્રિગેડના જવાનને રોડ ઉપરથી મળેલું પર્સ મૂળ માલિકને શોધીને પરત કર્યું હતું.
પોરબંદર ટ્રાફિક બ્રિગેડના જવાન ઋત્વિકભાઈ મેરુભાઈ સોલંકી એ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઋત્વિકભાઈ ફરજમાં ઓફ હતા અને અંગત કામથી બહાર નીકળેલા હતા. સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પેરેડાઈઝ ફૂવારા સર્કલ પાસે વી.વી. બજાર શાકમાર્કેટ નજીકથી પસાર થતા તેમને રસ્તા પર એક લેડીઝ પર્સ પડેલું મળી આવ્યું હતું.પર્સ ખોલીને જોતા તેમાં મોટી રોકડ રકમ તથા અગત્યના ઓરીજનલ દસ્તાવેજો હતા. ઋત્વિકભાઈએ તાત્કાલિક પ્રામાણિકતા દાખવી ટ્રાફિક ઓફિસે ફરજ પર હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોંડલીયાને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા.
અશોકભાઈ ગોંડલીયાએ પર્સમાં રહેલા દસ્તાવેજોને આધારે તપાસ કરતા માલૂમ પડ્યું કે પર્સ જયુબેલી નંદ રેસીડેન્સી, પોરબંદર ખાતે રહેતા ભારતીબેન મોકરિયાનું છે. તુરંત જ તેઓનો સંપર્ક સાધી ટ્રાફિક શાખા કચેરી ખાતે બોલાવવામાં આવ્યા.
ટ્રાફિક કચેરી ખાતે રોકડ રકમ તથા તમામ ઓરીજનલ દસ્તાવેજો સાથેનું પર્સ ભારતીબેનના પતિ પ્રકાશભાઈ મોકરિયાને સુપ્રત કરવામાં આવ્યું. પોતાનું કિંમતી પર્સ પરત મળતા પ્રકાશભાઈ મોકરિયાએ ટ્રાફિક બ્રિગેડ જવાન ઋત્વિકભાઈ સોલંકી તથા ટ્રાફિક પોલીસની કામગીરી અને પ્રામાણિકતાની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.ટ્રાફિક બ્રિગેડના જવાનની આ ફરજનિષ્ઠા અને પ્રામાણિકતાને શહેરીજનોએ બિરદાવી છે.
