સેન્ટરિયન વિસ્ટા બિલ્ડીંગની અગાશી પરથી ચાર યુવતિ સહિત 16 પકડાયા જાણીતી ઈન્ફ્લુએન્ઝરનું નામ બહાર આવ્યું
અમદાવાદમાં મકરસંક્રાતિના દિવસે એપાર્ટમેન્ટની અગાસી પરથી હાઈપ્રોફાઈલ બિયર-હુક્કાની પાર્ટી પર પોલીસે દરોડો પાડતા ભારે ચકચાર જાગી છે. બિયર, હુક્કા સાથેની આ પાર્ટીમાંથી જાણીતા બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયાની વાત વચ્ચે જાણીતી ઈન્ફલુએન્સરની પાર્ટી હોવાની ચર્ચા બહાર આવી છે. પોલીસે આ પાર્ટીમાંથી ચાર યુવતી સહિત 16 લોકોને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
અમદાવાદીઓએ બે દિવસ ઉત્તરાયણનો પર્વ રંગેચંગે ઉજવ્યો હતો. ત્યારે શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા સેન્ટેરિયન વિસ્ટા ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે એક ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ પણ હોવાની બાતમી મળી હતી. જે બાદ રેડ કરતા ફ્લેટના ધાબા પરથી કુલ 16 યુવક-યુવતીઓ મળી આવ્યાં છે. તથા 20 જેટલી દારૂની ખાલી અને ભરેલી બોટલો પણ મળી આવી છે. એપાર્ટમેન્ટના ટેરેસ પર ચાલી રહેલી દારૂની ઉઉં પાર્ટી અંગે સ્થાનિકોએ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દારૂની મહેફિલ હાઈપ્રોફાઇલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, આ એપાર્ટમેન્ટમાં જાણીતી ઇન્ફ્લુએન્સર રહે છે. તેના દ્વારા જ ટેરેસ પર પાર્ટીનું આયોજન કરાયું હોવાનું કહેવાય છે. ટેરેસ પર બીયર બાર જેવું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં મોંઘી વિદેશી દારૂની બોટલો ઉપરાંત હુક્કા, સિગારેટ તેમજ ખાણીપીણીની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાર્ટીમાં આવનાર મહેમાનોને જે માંગે તે ખાવા-પીવાનું તરત મળી જાય તેવી ગોઠવણ કરવામાં આવી હતી. પોલીસે દારૂની પાર્ટી કરતા ચાર યુવતી સહિત કુલ 16 લોકોને ઝડપી લીધા છે.
હાઈપ્રોફાઈલ પાર્ટી પર થયેલા દરોડા અંગે મળતી માહિતી અનુસાર, વાસી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર ઉઉં પાર્ટી ચાલી રહી હતી. ડીજેનો અવાજ પણ ઘણો વધારે હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં હાજર કેટલાક મિત્રો દારૂના નશામાં બૂમાબૂમ અને ઉછળકૂદ કરતા હોવાથી આસપાસના રહેવાસીઓને આ અંગેની જાણ થઈ હતી. જે બાદ તેમણે કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો હતો. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો.
પોલીસે જ્યારે ધાબા પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં બીયર બાર જેવું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં મોંઘી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. સાથે લીચી, કાચી કેરી, ઇલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ રાખવામાં આવી હતી. હુક્કાબાર જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જણાયું છે.
