શત્રુંજય મહાતીર્થમાં ફોટો અને વીડિયોગ્રાફી પ્રોજેક્ટ સંપૂર્ણ રદ : પેઢી દ્વારા કરાઈ જાહેરાત

જૈન સિધ્ધાંતો અને નીતિ નિયમો જાળવવા સતર્ક રહેવા સુચન : ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન લેવું જરૂરી

સમસ્ત જૈનો માટે શ્રધ્ધા અને ભકિતનું પવિત્ર તીર્થધામ પાલીતાણાના શત્રુંજયગિરિ પર શ્રી આદિશ્ર્વર દાદાના દરબારમાં તા.27મીના મંગળવારે વિધર્મી યુવકો દ્વારા પ્રવેશ કર્યાનો વીડિયો વાયરલ થતા સમસ્ત જૈન સમાજમાં આક્રોશ છવાયો હતો અને આ ઘટનાના ભારતભરના જૈન સંઘોમાં ઘેરા પડઘા પડયા હતા. આ સંદર્ભે શત્રુંજય મહાતીર્થમાં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફીનો પ્રોજેકટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ રદ કર્યો છે અને આ અંગેની જાહેરાત પણ પેઢી દ્વારા કરવામાં આવી છે.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ અંગે શ્રી સંઘને મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા બાદ પણ પાલીતાણામાં આવેલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પર જૈનોએ હંગામો મચાવીને ટ્રસ્ટીઓ તરફ આક્રોશ વ્યકત કર્યો હતો.
ઉપરોકત ઘટનાના સંદર્ભે જૈન અગ્રણી અશોકભાઈ જૈને જણાવ્યું કે હું પેઢી પર ગયો હતો અને દાદાના દરબારના વીડિયો જોયા તેમાં એક જ વ્યકિત ધોતી પહેરીને તથા મુખકોશ બાંધીને ગર્ભગૃહમાં ગયો હતો અને તે બ્રાહ્મણ હોવાનું જણાવાયું હતું. તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. સમસ્ત જૈન સમાજમાં આક્રોશ ઉત્પન્ન થાય તેવી અનિચ્છનીય ઘટના હતી. આવી ઘટના ભૂતકાળમાં કયારેય બની નથી. જોકે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓએ માફી માગી લીધી છે પરંતુ ભવિષ્યમાં ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન લેવું જરૂરી છે. કોળા તીર્થના જૈન મ્યુઝિયમ માટે વીડિયો તથા ફોટોગ્રાફી કરવાનો નિર્ણય ઉચિત નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે દાદાના દરબારના ગર્ભગૃહની અંદર એક વ્યકિત હતી તે વીડિયોમાં સ્પષ્ટ થાય છે અન્ય ત્રણ કે ચાર ફોટોગ્રાફરો બહાર હતા તેઓ ફલેશના પ્રકાશથી ફોટોગ્રાફી કરતા હતા. ત્યાં આરાધના કરતા પૂ.સાધ્વીજી ભગવંતોને આગળ-પાછળ કર્યા હતા. આવું ન થવું જોઈએ. આ પ્રવૃતિ જૈન શાસનના સિધ્ધાંતોથી વિપરીત હતી. જે દુ:ખદ છે. હવે પછી આવી ઘટના ભવિષ્યમાં ન બને તે પેઢીએ જોવાનું રહે છે.
શ્રી જૈને જણાવ્યું કે શત્રુંજય તીર્થ, રાણકપુર તીર્થ તથા ગિરનાર તીર્થની ફોટોગ્રાફી તથા વીડિયો તૈયાર કરી આપવાનો કોન્ટ્રાકટ રૂા.45 લાખમાં અપાયો તે પણ વ્યાજબી નથી. આ ઘટનાની જવાબદારી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની થાય છે. આ ઘટનાથી અમે અત્યંત દુ:ખી થયા હતા.
તેમણે જણાવ્યું કે ગભારામાં જે વ્યકિત વીડિયોગ્રાફી માટે ગઈ તેણે ભગવાનની મૂર્તિનો સ્પર્શ નહોતો કર્યો તે ફલિત થાય છે. સોશ્યલ મીડિયામાં અને જૈન સમાજમાં એવી ચર્ચા થવા માંડી હતી કે ફોટોગ્રાફર દાદાના ચરણને અડયો હતો કે ઉપર ચડીને વીડિયોગ્રાફી કરી હતી તે વાતમાં વજુદ નથી. પરંતુ પેઢીને આ ઘટના સંદર્ભે કલીનચીટ આપી ન શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે પછી પેઢીના ટ્રસ્ટીઓએ તકેદારી રાખવી પડશે. જૈન શાસનના સિધ્ધાંતો અને નિયમોની અવહેલના ન થાય તે ખાસ જોવાનું રહેશે. જૈનાચાર્યોને માહિતગાર કરીને તેમનું માર્ગદર્શન લેવું જરૂરી છે. આ ઘટનાને સામાન્ય રીતે નહિ પણ ગંભીરતાથી જોવાની જરૂર છે.

રિલેટેડ ન્યૂઝ