માર્ચથી આકરી ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી: રાજકોટમાં 36 ડિગ્રી
સમગ્ર ગુજરાતમાં ઉનાળો વહેલો આવી ગયો હોય તેમ કેટલાક દિવસોથી આકરો તાપ પડી રહ્યો છે ત્યારે આવતા બે દિવસ તાપમાનનો પારો નોર્મલ સ્તરે આવી જશે અને ત્યારબાદ માર્ચના પ્રારંભથી ફરી ઉચકાશે તેવી આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 થી 34 ડીગ્રી આસપાસ ગણાય છે. છેલ્લા દિવસોમાં તે નોર્મલથી ઉંચુ રહેતું હતું, તા.25મીએ સરેરાશ 1 થી 3 ડીગ્રી વધુ હતું. અમદાવાદમાં 36.4 ડીગ્રી, વડોદરામાં 35.8 ડીગ્રી, ભુજમાં 36.4 ડીગ્રી, રાજકોટમાં 36 ડીગ્રી, ડીસામાં 35.7 ડીગ્રી તથા અમરેલીમાં 35.5 ડીગ્રી ન ોંધાયું હતું. તેઓએ તા.5 માર્ચ સુધી આગાહીમાં જણાવ્યું હતું કે ચાલું ફેબ્રુઆરીને આડે બે દિવસ બાકી રહ્યા છે આ દરમિયાન તાપમાન માં બે ડીગ્રી સુધીનો ઘટાડો થશે અને મહત્તમ તાપમાન નોર્મલ સપાટીની આસપાસ આવી જશે એટલે તાપમાન માં આંશિક રાહત થશે પરંતુ માર્ચના પ્રારંભ સાથે ફરી પારો ઉંચો ચડવા લાગશે. તા.3 માર્ચથી ગરમીમાં વધારો શરુ થશે. તા.4 અને 5 માર્ચે અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડીગ્રીને આંબવાની શક્યતા છે. આગાહીના સમયગાળામાં કેટલાક દિવસોમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયાઇ ભાગોમાં 10 થી 20 કિ. મી.ની ઝડપે પવન ફુંકાશે જ્યારે અન્ય ભાગોમાં 7 થી 15 કિ.મી.ની ઝડપે પવન રહેશે. અમુક દિવસ ઝાટકાના પવન 25 કિ. મી. સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત તા. 27,28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ ધુમ્મસ રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આવતા બે દિવસ અર્થાત શુક્ર, શનિ દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ તરફ આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર વિસ્તારમાં વાતાવરણમાં થોડી અસ્થિરતા જોવા મળવાની સંભાવના છે.
