અમદાવાદના નવરંગપુરા પોલીસ ખાતે વર્ષ 2025માં નોંધાયો હતો ચાર ઇસમો સામે ગુન્હો: કેશોદના યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી થયુ હતુ ચીટીંગ
કેશોદના એક યુવાનને વર્ષ 2025ની સાલમાં ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી છ લાખ રૂપિયાની છેતરપીંડી થયાની રાણાકંડોરણાના યુવાન સહિત ચાર ઇસમો સામે ફરિયાદ થઇ હતી જેમાં રાણાકંડોરણા રહેતા યુવાનને કુતિયાણા પોલીસે પકડી પાડયો છે.
વર્ષ 2025માં નોંધાયો હતો ગુન્હો
કેશોદના ગાયત્રી મંદિર પાછળ રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચિરાગ અશોક પરમારે એવી પોલીસ ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસમથકમાં નોંધાવી હતી કે તેમના ગામના જય ધર્મેશ હડીયા સાથે તા. 20-11-24ના મુલાકાત થઇ હતી અને ચિરાગે તેને ઓસ્ટ્રેલિયા જવુ છે તેમ કહ્યુ હતુ તેથી જય હડીયાએ તેને ‘હું તને ઓસ્ટ્રેલિયા મોકલી આપીશ જેનો 12 લાખ રૂપિયાનો ખર્ચ થશે જેમાં 6 લાખ એડવાન્સ અને 6 લાખ ઓસ્ટ્રેલિયા પહોંચી જા પછી ભરવાના થશે.’ તેમ જણાવ્યુ હતુ.
અમદાવાદ ખાતે પૈસા આપ્યા
ફરિયાદી ચિરાગે જય હડીયાને પ્રોસીજર કરવા જણાવ્યુ હતુ. તેથી તેણે અમદાવાદના સી.જી. રોડ પર સહજાનંદ કોમ્પલેકસમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝમાં રકમ જમા કરાવવા જણાવ્યુ હતુ ત્યાં ફરિયાદી તથા તેના પાર્ટનર વેરાવળના આજોઠા ગામના કુલદીપ પરબત વાળા હાજર હશે તેમ જણાવ્યુ હતુ. તેથી તા. 25-11ના ફરીયાદી અમદાવાદ ગયો હતો અને બાલાજી એન્ટરપ્રાઇઝ ખાતે પૈસા આપવા ગયો ત્યારે કુલદીપ પરબત વાળા હાજર હતો અને તેને પૂછતા જય કેદરનાથ ગયો હોવાનું જણાવ્યુ હતુ. તેથી ફરિયાદીએ છ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જેની પહોંચ આપી હતી અને આગળની પ્રોસેસ જય કરશે તેમ જણાવ્યુ હતુ. આથી ફરિયાદી ત્યાંથી નીકળી ગયો હતો.
ફોન આવ્યો સ્વીચ ઓફ
ત્યારબાદ થોડા દિવસો પછી ફરિયાદી ચિરાગ પરમારે પ્રોસીજરની વિગત જાણવા જયને ફોન કર્યો હતો પરંતુ તે સ્વીચઓફ આવતા ચિંતાતુર બન્યો હતો અને કુલદીપને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હોવાથી ફરીયાદીને એવુ જણાયુ હતુ કે તેની સાથે કંઇક ખોટુ થયુ છે.
અમદાવાદ ખાતે ઓફિસ
થઇ ગઇ બંધ
ત્યારબાદ ચિરાગ પરમારને શંકા જતા તે રૂબરૂ તા. 27-11-24ના અમદાવાદ ખાતે જયની ઓફિસે ગયો હતો. ત્યાં જઇને જોયું તો ઓફિસ બંધ થઇ ગઇ હતી આથી જે તે સમયે પોલીસને અરજી કરી હતી અને કેશોદ પરત આવ્યો હતો.
મિત્રોનું નામ આપ્યુ
ત્યારબાદ ફરિયાદી તેના પિતા અશોકભાઇ પરમારને લઇને જય હડીયાના પિતા ધર્મેશભાઇને મળવા ગયા હતા. અને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ જય હડીયા પણ થોડા દિવસો પછી કેશોદમાં આવ્યો હતો અને તેણે એવુ જણાવ્યુહતુ કે તેના મિત્ર વાડોત્રા ગામે ચોકમા રહેતા કૃપાલ ધનાભાઇ ભાટુ અને રાણાકંડોરણાની મસ્જીદ પાસે રહેતા દિવ્યેશ દુદા બારીયાએ તમારું વિદેશ જવાનું કામ સંભાળ્યુ હતુ અને તમારા છ લાખ રૂપિયા મેં તેમને આપ્યા હતા જે લઇને મારા એ બંને મિત્રો રાણાવાડોત્રાનો કૃપાલ ધનાભાઇ ભાટુ અને રાણાકંડોરણાનો દિવ્યેશ દુદા બારીયા લઇને ચાલ્યા ગયા છેઅને તેમના ફોન પણ સ્વીચઓફ આવે છે.થોડા દિવસો પછી મિત્રોનો સંપર્ક થશે તો તમારા રૂપિયા પરત આપી દઇશ તેમ ખાત્રી આપી હતી પરંતુ ત્યારબાદ પણ પૈસા નહી મળતા અંતે ફરિયાદી ચિરાગ અશોક પરમારે કેશોદના જય ધર્મેશ હડીયા, આજોઠાના કુલદીપ પરબત વાળા, રાણાવાડોત્રાના કૃપાલ ધના ભાટુ અને રાણાકંડોરણાના દિવ્યેશ દુદા બારીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કુતિયાણા પોલીસે કરી અટકાયત
દરમ્યાનમાં કુતિયાણા પોલીસને એવી માહિતી મળી હતી કે માંડવા ગામના પાટીયા પાસે દિવ્યેશ બારીયા આવ્યો છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇ તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.
