જામનગરનો ક્રિકેટમાં દબદબો કાયમ: જય હિન્દ ટ્રોફીમાં શાનદાર વિજય સાથે સેમિફાઇનલમાં એન્ટ્રી

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલતી જય હિન્દ ટ્રોફી ટૂનામેન્ટ
જામનગરની ટીમના 196 સામે જૂનાગઢની ટીમ 170માં ઓલઆઉટ: જામનગરના બોલર વિશ્ર્વરાજે 4 અને જય રાવલિયાએ 5 વિકેટ ઝડપી: જૂનાગઢ ટીમની કરોડરજ્જુ તોડી નાંખી

રાજકોટ માં ચાલી રહેલી જય હિંદ ટ્રોફી ત્રિ દિવસીય ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લા ક્રિકેટ ટીમે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને યથાવત રાખતા વધુ એક ભવ્ય વિજય નોંધાવ્યો છે. જુનાગઢ જિલ્લા ટીમ સામે રમાયેલી આ મેચમાં જામનગરની ટીમે સર્વાંગી પ્રદર્શન કરી જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.ખંઢેરીના નિરંજન શાહ સ્ટેડિયમ માં યોજાયેલી આ મેચમાં જામનગરની ટીમે પ્રથમ ઈનિંગમા 196 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેમાં મિહીર જોશીએ 51 રન ની અડધી સદી ફટકારી, વિશ્વરાજ જાડેજાએ 34 અને રોહન મથ્થરે 25 રનનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બીજી ઇનિંગમા વિશ્વરાજ જાડેજા એ 143 રન ફટકાર્યા હતા, અને પુષ્કર કુમારે 66 રને કરી મોટો સ્કોર કર્યો હતો.
જવાબમાં જુનાગઢની ટીમ જામનગરના બોલરો સામે ટકી શકી ન હોતી અને 170 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ ઈનિંગમા જામનગર તરફથી બોલિંગમાં વિશ્વરાજ જાડેજાએ 17 ઓવરમાં 3 મેડન સાથે 37 રન આપી 4 વિકેટ ઝડપી હતી. અને બીજી ઇનિંગમાં જય રાવલિયાએ પણ શાનદાર પ્રદર્શન કરી 9 ઓવરમાં 35 રન આપી 5 વિકેટ ઝૂંટવી, જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.આ જીત સાથે જામનગરની ટીમે ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પોતાની જગ્યા મજબૂત બનાવી છે. હવે આગામી મુકાબલો 20 મે ના રોજ ભાવનગર જિલ્લા ટીમ સામે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ માં રમાશે.
ટીમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા ટીમ અને ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વર્ષોથી ખેલાડીઓ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેક્ષથી તાલીમ મેળવી રહ્યા છે, જેના પરિણામે ટીમનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે.જામનગરના ખેલાડીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાના પ્રદર્શનથી પ્રતિનિધિત્વ જાળવી રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના મેનેજર ભરત મથ્થરે પણ પોતાની યાદીમાં આ બાબતનો ઉલ્લેખ કરી ટીમના ઉજ્જવળ ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે.જામનગર માટે આ વિજય ગૌરવની વાત છે અને હવે તમામની નજર સેમિફાઇનલ મુકાબલા પર ટકેલી છે, જ્યાં ટીમ ફરી એકવાર જીતનો ધ્વજ લહેરાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ